ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થતું હોઇ શેરડીની કાપણી માટે જિલ્લા બહારના અન્ય વિસ્તારોમાંથી ઘણા શ્રમિક પરિવારો શેરડીની કાપણી માટે આવતા હોય છે. તાલુકાના કપલસાડી ગામે શેરડી કાપણીનુ કામ કરતા એક ઇસમનું અકસ્માતમાં મોત થયું હતું. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે મુળ ભાવનગર જિલ્લાના કેટલાક શ્રમિકો શેરડી કાપવાનું કામ કરે છે. આ પૈકી ઉદયભાઇ મથુરભાઇ બારૈયા ઉ.વ.૩૬ તેમજ અશ્વિન છગનભાઈ બાંભણીયા નામના ઇસમો બાઇક લઇને તેમના પડાવ પરથી ગામમાં ઠંડુ પીણું પીવા ગયા હતા. દરમિયાન બપોરના ત્રણેક વાગ્યાના સમયે આ બાઇકસવાર ઇસમોની બાઇકને કોઇ અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હોવાની જાણ તેમના પડાવ પર થતાં તેમના સંબંધીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ બાઇકને થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ઉદયભાઇ ગંભીર રીતે જખ્મી થયેલ હોઇ ઘટનાસ્થળેજ તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક સવાર અન્ય ઇસમ અશ્વિનભાઇ છગનભાઈ બાંભણીયાને પણ ગંભીર ઇજાઓ થયેલ હતી.તેઓને પગ પર ફેક્ચર થયેલ હતું તેમજ માથાના ભાગે પણ ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત ઇસમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. અકસ્માતની આ ઘટના બાબતે મૃતકના ભાઇ દિનેશ મથુરભાઇ બારૈયા (કોળી પટેલ) હાલ કપલસાડી રહેતા અને મુળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામના રહીશે ઝઘડિયા પોલીસમાં અકસ્માત કરી નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ