વડોદરાના નિઝામપુરા ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ કઢાવવા અને રીન્યૂ કરાવવવા માટે આજે રજાના દિવસે પણ લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. જોકે પાસપોર્ટ માટે પહોંચેલા લોકોેએ ઓફિસ બંધ જોઈને ભારે ઉહાપોહ મચાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ લોકોને તારીખ અને સમય સાથેનો સ્લોટ ફાળવવામાં આવતો હોય છે. આજે તા.14 એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના કારણે જાહેર રજા હોવાથી લોકોને આજના દિવસના સ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જેના કારણે 500 જેટલા લોકો પાસપોર્ટ ઓફિસ ખાતે ઉમટી પડયા હતા અને તેમાંના તો ઘણા બહારગામથી આવ્યા હતા.
પાસપોર્ટ ઓફિસ બંધ જોઈને લોકો રોષે ભરાયા હતા. ઘણાએ કહ્યુ હતુ કે, ત્રણ દિવસથી તમારી એપોઈન્ટમેન્ટ કન્ફર્મ હોવાના મેસેજ ઓફિસ તરફથી આવી રહ્યા હતા. એ પછી ગઈકાલે રાત્રે સાડા બાર વાગ્યા બાદ એપોઈન્ટમેન્ટ કેન્સલ હોવાની જાણ એસએમએસ થકી કરવામાં આવી હતી. તેના કારણે ઘણાએ મેસેજ વાંચ્યા પણ નહોતા. આંબેડકર જયંતિના દિવસે જાહેર રજા હોય છે તેની બધાને જાણ છે. આમ છતા 14 એપ્રિલની એપોઈન્ટમેન્ટ કેમ આપવામાં આવી તે પણ એક સવાલ છે.
લોકોએ ફરિયાદ કરી હતી કે, ઓફિસ પર કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ આપવા માટે હાજર પણ નથી. જે ફોન નંબર બોર્ડ પર દર્શાવાયો છે તેના પર કોઈ ફોન ઉપાડતુ નથી. હવે અમારી એપોઈન્ટમેન્ટ એક મહિના બાદ રીશિડયુલ કરવામાં આવશે અને અમારે એક મહિનો રાહ જોવી પડશે. તેની જગ્યાએ અમને બે ત્રણ દિવસમાં એપોઈન્ટમેન્ટ ફાળવવામાં આવે.
એક પરિવાર તો અઢીસો કિલોમીટર દૂરથી ડિસાથી આવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, અમે ગઈકાલના વડોદરામાં આવી ગયા હતા અને રાત્રે હોટલમાં રોકાયા હતા. આજે પાસપોર્ટ ઓફિસ પર આવીને જોયુ તો ઓફિસ બંધ છે. અમારો રોકાણનો ખર્ચો તો માથે પડયો જ છે પણ ફરી ડિસાથી વડોદરા આવવાનો બીજો એક ધક્કો થશે તે અલગ. લોકોના હોબાળાના કારણે ફતેગંજ પોલીસને પણ દોડી આવવુ પડયુ હતુ. પોલીસે માંડ માંડ રોષે ભરાયેલા લોકોને શાંત પાડયા હતા.