ચાંદખેડાના પાશ્વનાથ મેટ્રો સીટીના બ્લોકના ત્રીજા માળે આવેલી લોબીમાં આઈપીએલની ટી-૨૦ મેચ પર ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતી યુવતીને બુધવારે રાત્રે પોલીસે ઝડપી લીધી હતી. આ કેસ પરથી સટ્ટા રેકેટમાં યુવતીઓ સંડોવાયાનો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ યુવતીને ક્રાઉન એક્ચેનન્જ નામની આઈડી નરોડાની રીયા પટેલ નામની યુવતીએ આપી હતી. ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી ફરાર રીયા પટેલની શોધખોળ હાથ ધરી છે.
ચાંદખેડાના પાશ્વનાથ મેટ્રોસીટીના બ્લોક એ-૩૦૨ માં ત્રીજા માળે આવેલી લોબીમાં પોલીસે બાતમી આધારે રેડ કરીને જીજ્ઞા દિલીપભાઈ મહેતા (ઉં,૩૮)ને ઝડપી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી યુવતી મોબાઈલ ફોનમાં સટ્ટાની આઈડી મેળવીને ઓનલાઈન સટ્ટો રમી રહી હતી. પોલીસ તપાસમાં પકડાયેલી યુવતીને સટ્ટો રમવા માટેની આઈડી નરોડાની રીયા પટેલ નામની યુવતીએ આપ્યાનું જણાવ્યું હતું. પોલીસે ચેન્નાઈ સુપર કીંગ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતી ટી-૨૦ મેચ પર સટ્ટો રમતી યુવતીનો ફોન રૂ.૭ હજારનો પોલીસે કબ્જે લઈ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે વેબસાઈટ બનાવનાર શખ્સો અંગે પણ તપાસ હાથ ધરી છે. આમ, ક્રીકેટ સટ્ટા રેકેટમાં યુવતીઓની સંડોવણીની બહાર આવતા પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતા.