ગાંધીનગર જિલ્લાના મહુન્દ્રા ગામમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ અપડાઉન કરીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આસપાસના વિસ્તારના લોકો પણ બસની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. અભ્યાસ અર્થે તથા નોકરી માટે જતા મુસાફરોને નિયત સ્થળે પહોંચવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સવારના સમયે ઇસનપુર મોટાની શાળામાં અભ્યાસ કરતા ૫૦ જેટલા તેમજ છાલાની શાળામાં અભ્યાસ અર્થે જતા ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે. એમના માટે યોગ્ય આવનજાવની સુવિધા નહિ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે શાળા છૂટયા બાદ પરત ફરતી વખતે ટાઈમ ટેબલ પ્રમાણે બસ આવતી નહિ હોવાના કારણે સાંજના સમયે કલાકો સુધી બસની રાહ જોવી પડે છે. જેના પગલે બાળકોના સમયનો પણ બગાડ થઇ રહ્યો છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઘણી વખત બસ નહીં આવતા નાછૂટકે ખાનગી વાહનોમાં જોખમી સવારી કરવાની નોબત આવે છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કે સવારના સમયે તેમજ સાંજના સમયે વિદ્યાર્થીઓ માટે યોગ્ય રીતે બસની સુવિધા નિયમિત ચલાવવામાં આવે તો બાળકોને પણ હેરાન પરેશાન થવું પડે નહીં જે અંગે સત્વરે નિર્ણય લેવાની માંગ કરી છે.
ગાંધીનગર : મહુન્દ્રા ગામના વિદ્યાર્થીઓને શાળાના સમયે બસની સુવિધા માટે વલખા
Advertisement