દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કોવિડ માટે સક્રિય કેસની સંખ્યા વધીને 50 હજારથી નજીક પહોંચી ગઈ છે. આ ઉપરાંત દર્દીઓના સાજા થવાનો દર 98.70 ટકા રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં દૈનિક સંક્રમણ દર 5.01 ટકા છે અને સાપ્તાહિક સંક્રમણ દર 4.29 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 4,42,16,583 લોકો સંક્રમણથી મુક્ત થયા છે જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર ભારતમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220,66,25,120 ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19 ના વધતા જતા કેસોને જોતા દિલ્હી સરકાર સતર્ક થઈ ગઈ છે. મંત્રી આતિશીએ ગઈકાલે કહ્યું હતું કે સરકાર કોવિડ-19 ની સ્થિતિની સમીક્ષા કરી રહી છે. આ અંગેની માર્ગદર્શિકા ટૂંક સમયમાં શાળાઓને જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં બુધવારે સાત મહિનામાં પ્રથમ વખત એક હજાર કેસ નોંધાયા હતા. આ માટે દિલ્હી સરકાર કોરોનાના વધી રહેલા કેસોની સમીક્ષા કરી રહી છે. દિલ્હીમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે, જોકે દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે કોરોના XBB 1.16ના નવા વેરિયન્ટમાં બાળકોમાં કોઈ ગંભીર સંક્રમણ જોવા મળ્યું નથી. તેમણે જણાવ્યુ હતું કે દિલ્હીમાં વધી રહેલા કેસ વચ્ચે દિલ્હી સરકાર કોરોના પર ચાંપતી નજર રાખી રહી છે આ માટે દિલ્હી સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.