સ્વસ્થ સમાજની રચના સમાજના સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક ક્રિયાકાંડો પર તીખા પ્રહારો કરી સદભાવના – નૈતિકતાના પ્રચાર પ્રસાર તથા નશામુક્તિ અભિયાન માટે સતત પ્રયત્નશીલ રહેનાર શાંતિના દૂત સમાન જૈનધર્મના તેરાપંથના આચાર્ય મહાશ્રમણ મહારાજ આયોજિત અહિંસા યાત્રા ભરૂચ તાલુકાના વરેડીઆ ખાતે આવી પહોંચતા વરેડીઆ ગામના નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવનાર આચાર્ય મહાશ્રમણ મહારાજે તેમની મૃદુ અને ગંભીર શૈલીમાં પ્રાસંગીક પ્રવચનમાં શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. અત્રે યાદ આપવું જરૂરી છે કે અહિંસાયાત્રાના સર્થનના એક ભાગ રૂપે નેપાળ સરકારે અહિંસા યાત્રા પર ટપાલ ટિકિટ બહાર પાડી છે.
પંથના એક અહેવાલ મુજબ એક કરોડથી પણ વધુ લોકો એ આચાર્ય મહારાજની પ્રેરણાથી નશામુક્તિનો સંકલ્પ સ્વીકારી નશામુક્ત બન્યા હોવાનું જાણવા મળેલ છે. આ પ્રસંગે ગામના મહિલા સરપંચ ફાજિલા દૂધવાળા એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં આચાર્ય મહારાજના પ્રવચનમાં સૂચવેલ માર્ગે ચાલી જીવન વિતાવવા તથા હંમેશા ભાઈચારો સદભાવનાના મંત્રને જીવનમાં હંમેશા ઉતારી અહિંસા યાત્રાના સંકલ્પને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. અહિંસા યાત્રાના આ અભિયાનમાં ગુજરાતભરના આ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ તાલુકાના વરેડીઆ ગામે અહિંસા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.
Advertisement