ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે વિસ્તારની હદમાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, રાત દિવસ હાઇવે વિસ્તારમાં નાના મોટા અકસ્માત સામે આવતા હોય છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના અંકલેશ્વરના ખરોડ ચોકડી વિસ્તાર પાસે સર્જાઈ હતી, જ્યાં પૂર ઝડપે પસાર થતી ટ્રકે મૂંગા પશુઓના ટોળાને ઉડાવી મુક્યા હતા.
મૂંગા પશુઓ હાઇવે વિસ્તારમાં રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચથી વધુ પશુઓ મોતને ભેટ્યા હતા તો કેટલાક પશુઓ ઈજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવ્યું છે, ઘટના બાદ હાઇવે ઉપર એક સમયે ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થયું હતું.
અચાનક હાઇવે ઉપર સર્જાયેલ અકસ્માતમાં એક સાથે સાત જેટલાં પશુઓ મોતને ભેટતા પશુ પાલકમાં રોષની લાગણી છવાઈ હતી, તો બીજી તરફ ઘટના અંગેની જાણ ટ્રાફિક પોલીસ સહિત અંકલેશ્વર પોલીસને થતા તેઓએ સ્થળ પર દોડી જઈ અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રક ચાલકની શોધખોળ હાથધરી હતી.