ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામ જવાના રસ્તા પર એક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇકો ગાડીનો ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. અંકલેશ્વર ખાતે રહેતા આ યુવક ભુપતભાઇ જેઠાભાઇ બોળીયાનું પરિવાર દુધનો ધંધો કરે છે. દરમિયાન ગત તા.૮ મીના રોજ ભુપત સવારે છ વાગ્યાના સમયે ઝઘડિયા તાલુકાના કપલસાડી અને ફુલવાડી ગામે દુધ લેવા ઇકો ગાડી લઇને ગયો હતો. ત્યારબાદ લગભગ પોણા સાતેક વાગ્યાના અરસામાં બોરોસીલ કંપનીથી કપલસાડી જવાના રોડ પર સામેથી આવતી એક ટ્રક સાથે ઇકો ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ભુપતભાઇને પગ તેમજ હાથ પર ફેક્ચર થયું હતું તેમજ આંખ અને છાતીના ભાગે ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત યુવક ભુપતને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો, ત્યારબાદ ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ટ્રક માલિક સાથે આ બાબતે કોઇ સમાધાન નહિ થતાં ઇજાગ્રસ્ત યુવક ભુપતના ભાઇ ભરતભાઇ વનાભાઇ બોળીયા હાલ રહે.અંકલેશ્વર અને મુળ રહે.નાગ્નેશગામ જિ.બોટાદનાએ ઝઘડિયા પોલીસમાં ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી તા.ઝઘડિયા જિ.ભરૂચ