વિશાલ મિસ્ત્રી રાજપીપળા
નર્મદા જિલ્લાની સંકલન અને આયોજનની બેઠકમાં કોંગ્રેસ-બિટીપીનું પીપુડું નહીં વાગવા દઉં:મનસુખ વસાવા.
પાર્ટીના વફાદારને પ્રાધાન્ય આપો,નર્મદા જિલ્લામાં જેને મોટા હોદ્દાઓ આપ્યા છે એ જ પ્રચારમાં નીકળ્યા નથી:મનસુખ વસાવાનો જાહેરમાં આક્ષેપ.
:ગુજરાત વિધાનસભાની 2017 ચૂંટણીમાં 148 નાંદોદ બેઠક પરથી વન મંત્રી શબ્દશરણ તડવીની અને 149 ડેડીયાપાડા બેઠક પરથી ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતી મોરચાના પ્રમુખ મોતીસિંહ વસાવાની હાર થઈ હતી.તો આ હાર બાદ નાંદોદ બેઠકની સમીક્ષા માટે ગરૂડેશ્વર ખાતે એક બેઠક મળી હતી.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,પ્રભારી સતીશ પટેલ(છાણી),ભરૂચ સાંસદ મનસુખ વસાવા,છોટાઉદેપુર સાંસદ રામસિંહ રાઠવા,રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમનસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને વિવિધ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં મનસુખ વસાવાએ હારનું ઠીકરું જિલ્લા ભાજપના જ હોદ્દેદારો પર ફોડી રીતસરના વિરુધ્ધમાં કામ કરનાર પર ગુસ્સે ભરાયા હતા.
મનસુખ વસાવાએ પોતાના તીખા અંદાજમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં જેને મોટા હોદ્દાઓ આપ્યા એ જ હોદ્દેદારો પ્રચારમાં ફરકયાં નથી.વિધાનસભામાં વિરોધમાં કામ કરનારાઓને આગામી સંગઠનમાં સ્થાન નહીં આપવું જોઈએ.મને ખબર છે કોણે વિરુધ્ધમાં કામ કર્યું છે,પાર્ટીના વફાદારને પ્રાધાન્ય આપવું જોઈએ નહીં કે વિરુધ્ધમાં કામ કરનારને.નર્મદા જિલ્લા પંચાયતના અમુક સભ્યો જે હવામાં ઉડે છે એ બંધ થઈ જાય વ્યક્તિના ઈશારે કામ કરવાનું બંધ કરે.ભલે પાર્ટી મને આગામી લોકસભાની ટિકિટ આપે કે ના આપે હું પાર્ટીમાં ગેરશિસ્ત બાબતે અવાજ ઉઠાવવાનું બંધ નહિ કરું.નર્મદા જિલ્લાની બન્ને બેઠકો ભલે ભાજપ હારી પણ સંકલન અને આયોજનની બેઠકમાં હું નાંદોદ અને ડેડીયાપાડાના ધારાસભ્યનું પીપુડું પણ નહીં વાગવા દઉં.આપણો કાર્યકર્તા કોના ઈશારે વિરુદ્ધમાં કામ કરતો હતો એની તપાસ કરી પ્રદેશ કક્ષાએ રજુઆત કરીશ એમ જણાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ બેઠક પેહલા રાજપીપળા ખાતે આયોજિત કરાઈ હતી પરંતુ આ બેઠક તોફાની બનવાના એંધાણને લઈને રાતો રાત ગરૂડેશ્વર ગોઠવી દેવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ બાબતે અજાણ કાર્યકરોમાં રોષ ફેલાયો હોવાનું પણ જાણવા મળે છે.