પુણે ના એક વેપારીને 12 કરોડની લોન આપવાના નામે વડોદરાની હોટલમાં બોલાવી રૂ 20 લાખ પડાવી લેનાર મહારાષ્ટ્રની ગેંગને વડોદરા પોલીસે પીછો કરી નવસારી ખાતેથી ઝડપી પાડી છે. પોલીસે ટોળકીના છ સાગરીતોને ઝડપી પાડી રૂ.15 લાખ કબજે કર્યા છે. જ્યારે ભાગી છૂટેલા બીજા સાગરીતોના શોધખોળ જારી રાખી છે.
પૂણેમા રહેતા પ્રશાંત રન્નાવરે નામના વેપારીને પુણે પાસે એક વોટર પ્લાન્ટ નાખવો હોવાથી તેઓને રૂ 12 કરોડની જરૂર હતી. જેથી તેમણે કેટલાક મિત્રોને આ માટે વાત કરી રાખી હતી. આ પૈકીના એક મિત્રએ મહારાષ્ટ્રના રોહિત જાદવ નામના ભેજાબાજનો સંપર્ક કરાવ્યો હતો.
રોહિત જાદવ સોશિયલ મીડિયા પર ખાનગી ધિરાણ અંગેની જાહેરાતો મૂકતો હતો અને મોટી રકમ આપવાની તૈયારી બતાવતો હતો. જેથી પુણેના વેપારી પ્રશાંતભાઈ તેના સંપર્કમાં આવ્યા હતા અને બે મહિનામાં ત્રણથી ચારવાર મીટીંગ પણ કરી હતી. પુણેના વેપારીને લોનની રકમ માટે વડોદરામાં બેંક મેનેજર અજિત જોશીને મળવું પડશે તેમ કહી સૂર્યા પેલેસમાં તા. પાંચમી એ મીટીંગ રાખી હતી. જે મિટિંગ માટે પુણે થી રોહિત જાદવ, મેનેજર બનેલો અજીત તેમજ ડ્રાઇવર દીપક જેસવાણી અને અમર જેસવાણી મહારાષ્ટ્રથી વડોદરા આવ્યા હતા.
પુણેના વેપારીને રૂ 20 લાખ હોટલના રૂમમાં મુકાવ્યા હતા અને તેમને વિશ્વાસમાં લેવા એક કોથળામાં રૂ બાર કરોડ બતાવ્યા હતા. જેથી વેપારીને શંકા ગઈ હતી. ત્યારબાદ ટોળકી વેપારીને બેંકની ઓફિસના નામે ભુતડીઝાપા વિસ્તારમાં લઈ ગઈ હતી અને ત્યાં નકલી પોલીસ તરીકે વિક્રમ પવારની એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ વેપારીને ધમકાવીને રવાના કરી દેવામાં આવ્યો હતો.
બીજી તરફ હોટલમાં મુકેલા 20 લાખ લઈને રોહિત જાદવ, અજીત તેમજ તેના સાગરીતો કારમાં ભાગી છુટ્યા હતા. જેથી વેપારીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. ટોળકી નવસારી સુધી પહોંચી હોવાની વિગતો મળતા નવસારી પોલીસની મદદ લઈને ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. ટોળકી પાસેથી રૂ 15 લાખ રોકડા અને 20 મોબાઇલ મળી આવ્યા હતા. જ્યારે બીજા સાગરી તો રૂ. પાંચ લાખ લઈને ભાગી છુટ્યા હોવાથી તેની તપાસ કરવામાં આવી રહી છે.