આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ છે. બોટાદના સાળંગપુરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પરિવાર સાથે કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે પહોંચ્યા છે.
હનુમાન જયંતિના પાવન અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કરવા માટે સપરિવાર બોટાદ પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિતશાહે હનુમાન દાદાના ચરણોમાં શીશ નમાવી દર્શન કર્યા હતા. ત્યારબાદ અમિત શાહે સાળંગપુર મંદિર ખાતે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
હનુમાન જયંતિના પાવન અવસર પર બોટાદ ખાતે આવેલા સાળંગપુર હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી થઇ હતી. કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી. મંદિરનું પરિસર ‘સિયાવર રામચંદ્ર કી જય, પવનસુત હનુમાન કી જય’ અને ‘જય શ્રી રામ’ના ઉદ્ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
બોટાદના સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવવામાં આવ્યું છે. આ ભોજનાલય બનાવવમાં આશરે કુલ 55 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે. ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે. 30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવવામાં આવી છે. 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે. 25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.