ભરૂચ જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યા વકરી રહી છે તેને કાબૂમાં લેવા કેટલીક બાબતો પર નિયંત્રણ મૂકતું જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. રાજયમાં હાલ રખડતા પશુઓની સમસ્યાના પગલે ઘણા અકસ્માતના બનાવો બન્યા છે જે પૈકીના કેટલાક બનાવોમાં તો માનવીઓના મોત પણ નિપજયા છે. રાજયમાં સતત આવા બનાવો બનતા આવા કરૂણ બનાવો અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે જેના એક ભાગરૂપે ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માર્ગ અકસ્માત નિવારણ અને જાહેર જનતાના સલામતીના હેતુ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ હાલ પ્રવતમાન સંજોગોમાં ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં કેટલાક નાગિરકો ઢોર માટે રસ્તા ઉપર ઘાસચારો લઈ ઉભા રહેતાં હોય તેમ જણાયું હતું તેમજ રસ્તા પર રખડતા ઢોરો પણ જણાય છે જે અન્ય લોકોના સ્વાસ્થ્ય અને જાહેર માર્ગ પરની સલામતી માટે ભયરૂપ સાબિત થાય તેમ છે.
આ અનુસંધાને માર્ગ અકસ્માત નિવારવા તેમજ જાહેર જનતાની સલામતીના હેતુસર ભરૂચ જિલ્લા વિસ્તારના તમામ જાહેર માર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈપણ વ્યકિત દ્વારા ધાસચારાનું વેચાણ કરવા બાબતે અથવા તો જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા રખડતા મુકવા બાબતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન આર ધાંધલ દ્વારા મુકવામાં આવ્યો છે. જેનો અમલ તા.૨-૪-૨૩ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે અને હુકમનો ભંગ કરનાર વ્યકિતને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષા કરવામાં આવશે તેમ જણાવાયુ છે.