ભરૂચના દહેજમાં ગ્રામ પંચાયતની અત્યંત સાંકળી અને ઊંડી ડ્રેનેજમાં 5 યુવાનોને વગર સેફટીએ ઉતારવામાં આવતા 3 ના ગુંગળાઇ જવાથી મોત થયા છે. જ્યારે 2 યુવાનોની સ્થિતિ નાજુક બનતા સારવાર હેઠળ ખસેડાયા છે.
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ દેહજમાંથી મોટી દુર્ઘટના સામે આવતા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દોડતું થયું છે. મંગળવારે દહેજ ગ્રામ પંચાયતની ડ્રેનેજ સાફ કરવા 5 યુવાનોને અત્યંત સાંકળી અને ઊંડી ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. કોઈપણ સુરક્ષાના સાધનો વગર ગટરની સફાઈ માટે 5 કામદારોને ઉતારી દેવામાં આવતા તેઓ ગૂગળાઇ મર્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામ પંચાયત, કંપનીના ફાયર ફાઈટરો અને દહેજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. ડ્રેનેજમાં કેબલ નાખી અંદર રહેલા 5 કામદારોને એક બાદ એક બહાર કઢાયા હતા. જેમાં પેહલાથી જ ત્રણ કામદારોના મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે બે કામદારોની સ્થિતિ પણ નાજુક હોય સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 3 કામદારોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા સ્વજનો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. દહેજ પોલીસે દુર્ઘટના અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. હવે ગ્રામ પંચાયત કે કોના આદેશથી વગર સુરક્ષાએ આ 5 કામદારોને મોતના મુખમાં ઉતરાયા હતા તેને લઈ સવાલો ઉઠી રહ્યાં છે.
મૃતક કામદારોના નામ
– ગલસિંગ વરસિંગ મુનિયા ઉવ.30
– પરેશ ખુમસિંગ કટારા ઉ.વ. 30
– અનીફ ઝાલું પરમાર ઉ.વ. 24
ગુગળામણથી ગંભીર થયેલા કામદારો
– ભાવેશ ખુમસિંગ કટારા ઉ.વ. 20
– જીજ્ઞેશ અરવિંદ પરમાર ઉ.વ. 18