ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ સીમચોર ટોળકી સક્રિય બનતા ખેડુતો ચિંતિત બન્યા છે. ઝઘડિયા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ઝઘડિયા અને લિમોદરાના કુલ સાત ખેડૂતોના ખેતરોમાં તસ્કરો હાથફેરો કરી ગયા હતા. આ સાત ખેડુતો સિધ્ધરાજસિંહ પ્રવિણસિંહ પરમાર, સન્નીરાજસિંહ પ્રવિણસિંહ પરમાર, વિરાજસિંહ દિલિપસિંહ વાસદીયા, બળવંતસિંહ ગુમાનસિંહ પરમાર, કિરીટભાઇ ઠાકોરભાઇ રાવલ, શેખ મહમદસફી અબ્દુલમજીદ અને આયુષભાઇ ડી.પટેલ નામના ખેડુતોના ખેતરોમાં પિયતની ખેતી કરવા માટે બોરવેલ ડ્રીપ ફિલ્ટર મોટર કનેક્શન આવેલ છે. આ વીજ જોડાણને અનુલક્ષીને ખેતરોમાં ડી.પી. તેમજ વાયર સ્ટાર્ટર જેવા વીજ ઉપકરણો પણ લગાવેલ છે.
ગત તા.૨ જીના રોજ રાત્રિ દરમિયાન કોઇ અજાણ્યા ચોર આ ખેડૂતોના ખેતરોમાં રાખેલ આ બોરવેલ અને વીજ જોડાણ માટે રાખેલ વિવિધ સામાન ચોરી ગયા હતા. આ ખેડૂતોને બીજા દિવસ સવારે તેમના ખેતરોમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આજુબાજુમાં શોધવા છતાં આ સાધનોની કોઇ ભાળ મળી નહતી. તેથી ઝઘડિયા અને લિમોદરાના ચોરીનો ભોગ બનેલ આ સાતેય ખેડૂતોએ ઝઘડિયા પોલીસ મથકે તેમના ખેતરોમાં બોરવેલના તેમજ અન્ય વીજ ઉપકરણોની ચોરી કરનાર અજાણ્યા ચોર વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા પોલીસે ખેડૂતોની ફરિયાદ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ