રાજકોટ યાર્ડમાં માર્ચ એન્ડીંગ વેકેશન પછી આજે હરાજીના કામકાજ શરૂ થતા એક દિવસમાં જ બેડી યાર્ડ ખાતે 23.50 લાખ કિલો અર્થાત 1,17,500 મણ ઘઉંની ધોધમાર આવક નોંધાઈ છે. ગુજરાતમાં 42 લાખ ટન ઘઉંનું નોંધપાત્ર ઉત્પાદન થયું છે તેના પગલે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો પણ ઘઉંથી છલકાઈ રહ્યા છે પરંતુ, ધૂમ આવક વચ્ચે પણ છૂટક બજારમાં ઘઉંમાં પ્રતિ મણ રૂ।. 50 નો વધારો ઝીંકાયો છે. દરમિયાન યાર્ડમાં આજે જીરૂના ભાવ 6800 ની સપાટીએ પહોંચ્યા હતા તો શાકભાજી યાર્ડમાં લીંબુના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે હાલ વર્ષ આખાની જરૂરિયાત મૂજબના ઘઉં ખરીદવાની સીઝન શરૂ થઈ છે તેમાં માવઠાનું કારણ મળી જતા રાજકોટ યાર્ડમાં પ્રતિ 20 કિલો ટૂકડા ઘઉંના ભાવ રૂ।. 440 થી 580 એ પહોંચ્યો છે અને બ્રાન્ડેડ, ડબલ વિણાંટ તરીકે વેચાતા ઘઉં બજારમાં રૂ।. 650 થી 700 ના મણ લેખે વેચાય છે. લાલ મરચાંના ભાવ આજે મણે રૂ।. 2500 થી 6000 ની ઉંચાઈએ જળવાયા છે તો જીરૂની 1320 ક્વિન્ટલની નોંધપાત્ર આવક છતાં ભાવ વધીને રૂ।. 6000 થી 6800 એ પહોંચ્યા હતા. ધાણાની આજે 20,000 મણની ધૂમ આવક વચ્ચે રૂ।. 1000થી 1550 ના મણ લેખે સોદા થયા હતા.
બીજી તરફ લીંબુના ભાવ ઘટયા છે. યાર્ડના સૂત્રો અનુસાર મદ્રાસ અને મહારાષ્ટ્રથી લીંબુની મોટાપાયે આવક શરૂ થઈ છે, જેના પગલે સપ્તાહ પહેલા મણના રૂ।. 1500- 2800 એ પહોંચેલા ભાવ 1050-1640 ની રેન્જમાં રહ્યા હતા. જો કે પરપ્રાંતના લીંબુ કરતા સ્થાનિક લીંબુના ભાવ સરેરાશ કિલોએ રૂ।. 50 વધારે રહે છે.
દરમિયાન, મગફળીની આજે પણ યાર્ડમાં સારી આવક થઈ રહી છે, માત્ર રાજકોટ બેડીયાર્ડમાં આજે 40,000 મણ મગફળીની આવક થઈ હતી આમ છતાં સિંગતેલના ભાવ ઘણા દિવસોથી નવા 15 કિલો ટીનના રૂ।. 2880-2930ની ઉંચાઈએ જળવાયા છે. એકંદરે સિંગતેલ,અનાજ, મસાલા, દૂધ સહિતની જીવનજરૂરી ચીજોમાં બેકાબુ ભાવ વધતા ફીક્સ બજેટમાં ઘર ચલાવતી ગૃહિણીઓમાં વ્યાપક રોષ જોવા મળ્યો છે.