મંગળવારે શ્વેતાંબર જૈન સંઘ દ્વારા ‘મહાવીર જયંતી’ની ઉજવણી થશે. તે પૂર્વે તા.૩ ને સોમવારે સાંજે ‘અહિંસા રેલી’નું આયોજન કરાયુ છે. આચાર્ય નયપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ પ્રેરિત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા ભગવાન મહાવીરના ૨,૬૨૧ માં જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે સોમવારે સાંજે ૫ વાગ્યે નવલખી ગ્રાઉન્ડ પરથી ભગવાન મહાવીરની ૧૨.૭ ફૂટની પ્રતિમા વિરાટ પ્રતિમા સાથે ‘અહિંસા રેલી’ નીકળશે જેમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાશે. મંગળવારે સવારે ૮ વાગ્યાથી રાજમાર્ગો પર લાડુની પ્રસાદીનું વિતરણ કરીને ભગવાનના જન્મ પ્રસંગે લોકોનું મોં મીઠું કરાવવામાં આવશે. સાંજે ૭ વાગ્યાથી નવલખી ગ્રાઉન્ડ પર ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભક્તિ સંધ્યા, યુવી લાઇટ ડાન્સ, પારણું ઝુલાવવાની વિધિ અને હજારો દીવડાની મહાઆરતી યોજાશે. જ્યારે દિગંબર જૈન સમાજ દ્વારા સોમવારે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થશે તે નિમિત્તે ન્યાયમંદિરથી સવારે ૭.૪૫ વાગ્યે અહિંસા પરમો ધર્મના સંદેશા સાથે રથયાત્રા નીકળશે અને ઇન્દુમતિ પેલેસ પહોંચશે જ્યાં સાધ્વીજી શ્રી પુર્વમતિ માતાજીનું વ્યાખ્યાન યોજાશે.
ઉલ્લેખનીય છે કે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે રવિવારે સવારે ભારત સહિત ૯ દેશોના ૬૫ શહેરોમાં એક સાથે અહિંસા રનનું આયોજન થયુ હતુ જેમાં વડોદરામાં પણ યોજાયેલા અહિંસા રનમાં ૧૨૦૦ થી વધુ લોકો દોડયા હતા અને અહિંસાનો સંદેશો વહેતો કર્યો હતો.