અમદાવાદમાં સોના ચાંદીના વેપારીની દુકાનમાં કામ કરતો કર્મચારી 13.50 કરોડનું 25 કિલો સોનું લઈને ફરાર થઈ ગયો છે. વેપારીએ અગાઉ આ મામલે પાંચ લોકો સામે ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી. ત્યારે હવે 25 કિલો સોનું લઈને નાસી ગયેલા દુકાનના કર્મચારી સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના નિકોલમાં રહેતાં વિજય ઠુમર છેલ્લા ત્રણ વર્ષથી માણેકચોકમાં સોના ચાંદીનો વેપાર કરે છે. તેમના પરિચીત ચિરાગ પંડ્યાના દીકરા યશ પંડ્યાને તેમણે બે વર્ષ અગાઉ નોકરી રાખ્યો હતો. સુરતથી 15 જાન્યુઆરીએ વિજય ઠુમરે 25 કિલો સોનું ખરીદ્યું હતું. આ સોનું મુંબઈ મોકલવાનું હતું. 19 જાન્યુઆરીએ આ સોનાને 10 અને 15 કિલોની અલગ અલગ બેગમાં ભરવામાં આવ્યું હતું. આ સોનાની કિંમત 13.50 કરોડ છે.
વિજયભાઈના મિત્ર પાર્થનો સાળો આદિત્ય અને યશ પંડ્યાને સીટીએમથી ખાનગી ટ્રાવેલ્સની લકઝરીમાં બંનેને સોનાની ડિલિવરી આપવા રાતે 11 વાગે મોકલ્યા હતા. 10 કિલોની બેગ આદિત્ય પાસે હતી જયારે 15 કિલોની બેગ યશ પાસે હતી. 20 જાન્યુઆરીએ વહેલી સવારે આદિત્યએ ફોન કરીને વિજયભાઈને કહ્યું કે ભરૂચથી અંકલેશ્વર જવાના રસ્તે હોટલ ખાતે બસ ચા નાસ્તો કરવા ઉભી રહી ત્યારે પાર્થ બંને બેગ લઈને તેના પરિચિત મિત્રો સાથે ઇનોવા ગાડીમાં બેસીને ભાગી ગયો છે. વિજયભાઈએ યશને ફોન કર્યો ત્યારે યશનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
વિજયભાઈએ યશના પિતા ચિરાગભાઈને ફોન કર્યો અને તેમને વિગત જણાવી હતી. ચિરાગભાઈએ પોલીસ ફરિયાદ ના કરવા કહીને તમારું સોનુ પરત અપાવીશ જણાવ્યું હતું. ચિરાગભાઈએ પણ દીકરા યશને ફોન કરતા યશનો ફોન સ્વીચ ઓફ જ આવતો હતો. ચિરાગભાઈએ વિજયભાઈએ કહ્યું કે મારી દીકરો ગોતામાં રહેતા તેના મિત્ર નિકેત આચાર્ય સાથે દિલ્હી તરફ ગયો છે. આ ઉપરાંત સોનું લઈ જવામાં દીપ ઝા, મોઇન અને નિકેતનો સાળો પણ સામેલ હતા. આ સમગ્ર મામલે વિજયભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં 8 ફેબ્રુઆરીએ અરજી કરી હતી ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે 13.50 કરોડના સોનાની લૂંટ માટે ફરિયાદ નોંધી છે.