બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના મકતમપૂર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર પાસેના જાહેર માર્ગ ઉપર રસ્તા વચ્ચે પથ્થર મૂકી કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા, દરમ્યાન ત્યાંથી નજીકમાં રહેતા મયુર મહેતા નાઓ તેમની ફોર વ્હીલ વેગેનાર કાર લઈ ત્યાંથી પસાર થતા હતા તે સમયે રસ્તા વચ્ચે રહેલ પથ્થર તેઓની કારના નીચેના ભાગે સાઇલેન્સર પર અડી જતા તેઓનું સાઇલેન્સર તૂટી ગયું હતું.
જે દરમ્યાન ટોળા ભેગા થયા હતા જે બાદ સ્થળ પર ઉપસ્થિત કરણ મિસ્ત્રી તેના મિત્રો સાથે મસ્તીના અંદાજમાં હોય કિરણ સુરેશભાઈ વસાવા અને અમિત સુરેશભાઈ વસાવા નાઓએ કરણને ઘટના અંગે વાકેફ કરી તેની સાથે બોલાચાલી કરી જતા રહ્યા હતા અને બાદમાં બંને ઈસમો કરણ પાસે દોડી આવ્યા હતા તેમજ તેઓએ કરણ સાથે મારામારી કરી તેમની પાસે રહેલ ચપ્પુ વડે કરણને શરીરના ભાગે ત્રણ જેટલાં ઘા મારી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત કરણ મિસ્ત્રીને લોહી લુહાણ હાલતમાં તેઓના સબંધીઓ દ્વારા તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતા પોલીસે ઈજાગ્રસ્ત કરણ મિસ્ત્રીની ફરિયાદ લઈ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.