નર્મદાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં જાન્યુઆરીમાં પણ ભંગાણ પડતા શહેરીજનોએ 15 દિવસ એક ટાઈમ પાણીની કટોકટીનો સામનો કર્યો હતો. નર્મદા નિગમના પાપે ભરૂચ શહેરની 2 લાખ પ્રજાને ભર શિયાળે 10 દિવસ 50 ટકા પાણી કાપ વેઠવાનો વારો આવ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગત પહેલી જાન્યુઆરીએ પડેલા મસમોટા ગાબડા બાદ 25 માર્ચે ઝનોર નજીક ફરી ભંગાણ પડતા ભરૂચ શહેરની 2 લાખ પ્રજાને ભર ઉનાળે તહેવારો વચ્ચે 29 માર્ચથી ફરી 50 % પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે.
ભરૂચ શહેરની જનતાને આ કેનાલમાંથી રોજ 45 એમ.એલ.ડી. પાણી પાલિકા દ્વારા પુરું પાડવામાં આવે છે. 25 માર્ચથી નહેરમાં ભંગાણને લઈ પાલિકાને મળતું નર્મદાનું પાણી બંધ થતાં પાણી કાપ મુકવાનો વારો આવ્યો છે.માતરિયા રિઝર્વ સ્ટોરેજમાં 8 થી 9 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાથી 29 માર્ચથી પાલિકા તંત્રએ શહેરને એક જ ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. માતરિયા તળાવમાંથી ફિલ્ટરેશન કરી શહેરની 9 ટાંકીઓ ઉપર નહેરનું ગાબડું દુરસ્ત ન થાય ત્યાં સુધી એક સમય એટલે કે 50 ટકા પાણી પૂરું પાડવામાં આવશે.
હાલ તો પાલિકા તંત્રએ શહેરીજનોને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરી વેડફાટ નહિ કરવા અપીલ કરી છે. અને ઝડપભેર નિગમ સાથે સંકલનમાં રહી સમારકામ દુરસ્ત કરી દેવાની ખાતરી આપી છે.
ભરૂચની તમામ ટાંકીઓ પરથી સમગ્ર વિસ્તારને દિવસમાં નિયત કરેલ એક સમયે સવાથી દોઢ કલાક પાણી આપવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને વોટર વર્ક્સના ચેરમેન દ્વારા સંયુક્ત રીતે જણાવાયું છે.
હાલ ચૈત્રી નવરાત્રી અને રમઝાન માસ ચાલતા હોય પાલિકાએ ગાબડાંના 5 દિવસ બાદ એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. દરમિયાન જ્યાં પાણીની પોકારો કે બુમરાણ પડશે ત્યાં ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવાની તૈયારી પાલિકાએ રાખી છે.