ચૈત્ર માસમા નર્મદા પરિક્રમાનુ વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમા એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા વહે છે, હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટેથી પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તરવાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે. હાલ ચૈત્ર માસમા દૂર દૂરથી મોટી સંખ્યામા સાધુ સંતો મહંતો, ભક્તો, શ્રધ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય 21 કી.મીટરની પંચકોષી ઉત્તરવાહિનીની પરિક્રમા કરી રહ્યા છે.
રવિવારની રજા હોવાથી અંદાજે 50 હજારથી વધુ ભક્તો પરિક્રમા કરવા ઉમટ્યા હતા પણ પ્રસાશન તરફથી જરૂરી પૂરતી સુવિધા ન હોવાથી ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નાવડીઓની પૂરતી સંખ્યા ન હોવાને કારણે ભક્તોને ઊંડા પાણીમાં ઉતરીને જાનના જોખમે નદી પાર કરવાનો વારો આવ્યો હતો. નાવડીમા ચઢવા માટે પડપડી થતી હતી. નાવડીઓ પણ બાવા આદમના જમાનાનો જૂની જર્જરિત હોઈ તેમજ તેમાં ઘેટાં બકરાની જેમ ઠાંસી ઠાંસીને મુસાફરોને ભરીને પાર કરતી નાવડી ડૂબી જાય કે ઉંધી વળી જાય તો તેમાં સલામતી માટે લાઈફ જેકેટની પણ વ્યવસ્થા નથી. જાણવા મળેલ માહિતી મુજબ આ નાવડીઓનું કાયદેસરનું રજીસ્ટ્રેશન પણ કરેલું નથી! ખરેખર તો આવી નાવડીઓમા ચઢવા ઉતરવા માટે બેરિકેટ તેમજ જેટ્ટી બનાવવી જોઈએ પણ અહીં પ્રસાશન દ્વારા દર વર્ષે થતી પરિક્રમા માટે કોઈ ખાસ સુવિધા કરી ન હોવાથી પરિક્રમાવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ભક્તોમા ભારે રોષ જોવા મળ્યો છે.
માત્ર આઠ નાવડીઓને કારણે કલાકો સુધી ભક્તોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે વધતી જતી સંખ્યા સામે વધુ 10-10 નાવડીઓની જરૂર છે પણ પૂરતી નાવડીઓ ન હોવાથી ભક્તો જાતે જીવના જોખમે નદી પાર કરીને સામે કિનારે પહોંચતા જોવા મળી રહ્યા છે. કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? એ પ્રશ્ન ભક્તોમા ચર્ચાઈ રહ્યો છે. ભક્તોની સુવિધા કરવામાં પ્રશાસન નિષ્ફળ નીવડ્યું છે. પરિક્રમા વહેલી સવારે 4 થી 8 મા કરવાની હોય છે પણ ઘણા ભક્તો પરિક્રમા રાત્રે ન કરી શકાતી હોવા છતાં લોકો રાત્રે પરિક્રમા કરે છે. રાત્રે અંધારામાં લાઈટની વ્યવસ્થા ન હોવાથી તેમજ રાતે મગરો કિનારે બહાર નીકળતા હોવાથી જાનનું જોખમ છે અને કોઈ દુર્ઘટના ઘટે તો તે માટે જવાબદાર કોણ? વળી રાતે જાહેરમા આજુબાજુમા ખુલ્લામા લોકો શૌચક્રિયા કરતા હોઈ ગંદકી વકરાવી રહ્યા છે. ત્યારે ચોક્કસ સમયે સવારે પરિક્રમા કરવાનું જાહેરનામું સરકાર બહાર પાડે એવું પ્રજા ઇચ્છી રહી છે દરેક જગ્યાએ પૂરતા ઈ ટોયલેટ અને પૂરતી નાવડીઓ મુકવાની ભક્તોએ માંગ કરી છે. અહીં ઠેર ઠેર ગંદકી કચરોનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા અભિયાનના બોર્ડ મારેલા હોવા છતાં ભક્તો આડેધડ ગમે ત્યાં કચરો નાખે છે જે દુઃખદ છે.
નર્મદા પરીક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. પરંતુ લોકોએ પરિક્રમાને ખાવા પીવા હરવા ફરવાનું પિકનિક પોઇન્ટ બનાવી દીધું છે. નર્મદા પરિક્રમાનું મહત્વ વિસરાઈ ગયું છે. અગાઉ તંત્રને આવેદનપત્ર આપી પૂરતી વ્યવસ્થા કરવા છતા વ્યવસ્થા કરવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. પોલીસ પણ વધુ મુકાય અને સ્વછતા જળવાય વધુ નાવડીઓ મુકાય, આરોગ્યલક્ષી સુવિધા પણ ઉભી કરાય એવી ભક્તોની માંગ છે. અન્ય સેવાભાવી લોકો સંસ્થાઓ આયોજકો ખૂબ સુંદર સેવાઓ પુરી પાડી રહ્યા છે પણ પ્રસાશન દ્વારા ખાસ નક્કર જરૂરી સુવિધાઓ પુરી પડાતી નથી એ માટે તંત્ર પણ આગળ આવે એવી ભક્તોની માંગ ઉઠી છે.
દીપક જગતાપ, રાજપીપળા