ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદી પર આવેલ કેબલ બિજ તેમજ અન્ય બિજના ટોલટેક્ષ પાસેના લારી – ગલ્લા તેમજ છુટક વેપારીઓને વેપાર કરવા માટેની છૂટ આપવા માટે ભરૂચ જિલ્લા કલેકટર તેમજ ભરૂચ જિલ્લા પોલીસવડાને વિનંતી કરતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ અને અંકલેશ્વરની આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ વર્ગના લોકો છૂટક ધંધો એટલે કે ખારીસીંગ, ચણા વગેરેનું વેચાણ કરી તેમાંથી આવક મેળવી કુટુંબનુ ગુજરાન કરે છે તેમજ અમારે કોઈ બીજુ આવકનું સાધન નથી અને આજ આવક ઉપર અમારા કુટુંબનું ભરણપોષણ થાય છે. આવેદનપત્ર પાઠવનાર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ ટોલટેક્ષ પાસે ઉભા રહી ખારીસીંગ, ચણા વગેરેનું વેચાણ કરતા હોય છે. ઘણા વર્ષોથી આજ રીતે તેઓ વેપાર કરતા આવ્યા છે અને મોટાભાગના મહિલા હોય અન્ય કોઈ કામધંધો કરી શકતા નથી ત્યારે આ ધંધો કરવા માટે છુટ આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. સાથે જણાવાયુ હતું કે કોરોના મહામારીના પગલે બેકારીનો માહોલ છવાય ગયો હતો તેમજ હમણા પણ મંદી અને મોંધવારીના વાતાવરણમાં ખુબ આર્થિક સંકડાશમાં જીવન ગુજારી રહ્યા છે ત્યારે ટોલટેક્ષ પાસે ધંધો કરવાની છુટ આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.