આ વખતે 22 મી માર્ચથી પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે, જે એક દિવસમાં રામપુરા કિડીમકોડી ઘાટથી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ 10 વાગ્યે પૂરી થશે આવી રીતે રોજ રોજ શરૂ થનાર પરિક્રમા 20 એપ્રિલ સુધી એક મહિનો ચાલશે.
ચૈત્ર માસમા નર્મદા પરિક્રમાનુ વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમા એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે, હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટેથી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થાય છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તરવાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે. હાલ ચૈત્ર માસમા દૂર દૂરથી મોટી સંખ્યામા સાધુ, સંતો, મહંતો, ભક્તો, શ્રધ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય 21 કી. મીટરની પંચકોષી ઉત્તરવાહિનીની પરિક્રમા કરી રહ્યા છે.
નર્મદા પુત્ર સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદાની પરિક્રમા રાજા બલીરાજાના વખતથી થતી હતી જે આજે પણ પરંપરાગત ચાલે છે. ગુજરાતમા એકમાત્ર ઉત્તરવાહિની આવેલી છે જ્યારે મધ્યપ્રદેશમા 9 ઉત્તરવાહિની આવેલી છે. નાંદોદ તાલુકાના માંગરોલ, રામપુરા, ગુવાર, તિલકવાડા સુધી વિસ્તરેલી 21 કીમીની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે. એમ કહેવાય છે કે નર્મદામા અસ્થિઓ પધરાવવાથી અસ્થિ શિવલિંગ બની જાય છે, દરેક મનુષ્યનુ એકવાર નર્મદા પરિક્રમાનુ સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમા હજારોની સંખ્યામા ભક્તો નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. અહી નર્મદા સ્નાનનુ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી, દિવડા તરાવી, નર્મદા પૂજન કરી, નર્મદા અષ્ટકમના પાઠ કરી પરિક્રમાનો પ્રારંભ કરે છે. દર વર્ષે પરિક્રમા કરનારા લોકોની સંખ્યા વધતી જતી હોવાથી તેમના માટે સરકાર તરફથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
વર્તમાન સમયમાં પરિક્રમા વાસીઓની સંખ્યા ઘટી હોય તેવું પ્રતીત થાય છે વળી, હવે પરિક્રમા કરતા યાત્રિકો નદી તટે તટે પરિક્રમા નથી કરી શકતા પરંતુ કેટલાક ભાગોમાં તો નદીથી ત્રણ-ચાર કિમી દુરથી પરિક્રમા કરવી પડે છે. આગામી સમયમાં સરકાર તરફથી પણ પરિક્રમાવાસીઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિકાસ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જે સારી બાબત છે. પરિક્રમા રૂટમાં આવતા મંદિરો, આશ્રમો, ગામો મોટાભાગે ઐતિહાસિક ભૂમિકા ધરાવતા જાણવા મળે છે.
દીપક જગતાપ, રાજપીપળા