ઝઘડિયા તાલુકાની રાણીપુરા પ્રાથમિક શાળા ખાતે આજરોજ શાળાનો વાર્ષિક ઉત્સવ અને ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ વાર્ષિક ઉત્સવ નિમિત્તે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પાબેન વટાણાવાળા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, પર્યાવરણ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ વસાવા તથા રાણીપુરા ગામના મહિલા સરપંચ મીતાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના આગેવાનો રાજુલભાઈ પટેલ, કાલિદાસભાઈ વસાવા તથા એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને શાળાના જ વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ વસ્ત્ર પરિધાન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં ગુજરાતી ગીતો, ધાર્મિક ગીત, પ્રોત્સાહિત કરતા ફિલ્મી ગીતોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ વસાવા તથા રાજુલભાઈ પટેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ડાયરા તેમજ બોલપેન કિટસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કૃતિ રજુ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ કરવામાં કાર્યક્રમના મહેમાનો સાથે જોડાયા હતા. કાર્યક્રમમાં શાળાના તથા કેજીબીવી રાણીપુરાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કૃતિ રજૂ કરનાર તમામ ભૂલકા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો.
Advertisement