માનવતા અને માનવ મૂલ્યોને કેન્દ્રમાં રાખી તમામ સમાજના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે હંમેશા કાર્યરત મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે વર્ષોથી જોડાયેલ કડીવાલ સમાજનો તારીખ 19/03/2023 અને રવિવારના રોજ એચ એચ એમ સી એજયુકેશનલ કેમ્પસ ખાતે ઉત્કર્ષોત્સવ: સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, કાર્યક્રમની શરૂઆતમાં એચ એચ એમ સી એજયુકેશનલ કેમ્પસના વિદ્યાર્થી શાદાબ મોદી દ્વારા તિલાવત કરાઇ હતી, ત્યારબાદ પ્રાર્થના અને તેહસીન કડીવાલા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન મોટામિયાં માંગરોલની ગાદીના અધિકૃત વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ તથા આ ગાદીના ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું, સમાજ વતી જેઓનું ફૂલહાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સિરહાનભાઈ કડીવાલા દ્વારા મોટામિયાં માંગરોલની ગાદી પ્રેરિત GSPRF ના કાર્યો વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. મુસ્તાકભાઈ દ્વારા કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટ્રસ્ટના પ્રમુખ રફિકભાઈ કડીવાલાએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ ઈમ્તિયાઝભાઈ મોદીએ મોટામિયાં માંગરોલની ગાદી અને કડીવાલા સમાજના સંબંધ વિશે ચર્ચા કરી સમાજ કલ્યાણના કાર્યો વિશે માહિતી આપી હતી.
ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી સાહેબ દ્વારા શ્રોતાઓને પોતાની રૂહાની વાણીથી સંબોધન કરવામાં આવ્યું હતું. પોતાના વક્તવ્ય દરમિયાન તેઓ દ્વારા સમાજના લોકોને મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાઈ સમાજ કલ્યાણના કાર્યો માટે આહવાન કરવામાં આવ્યું હતું. વધુ તેઓએ જણાવ્યું હતું કે માણસ સધ્ધર થાય એ સારું છે પરંતું સધ્ધર થયા પછી અધ્ધર થાય એ સમસ્યા છે, સમાજસેવા સાર્થક ત્યારે જ બને જયારે તેમા લાગણી હોય માત્ર માગણી ન હોય, મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના સંતોથી જોડાણ અને વફાદારી એ સોગાત છે, જે કોઇપણ સંજોગોમાં જાળવી રાખવી જરૂરી છે, સારા અને સાચા લોકોનું માર્ગદર્શન જીવન સાર્થક કરે છે એમ જણાવી સંગઠન વ્યક્તિ અને સમાજને સશક્ત જ્યારે ષડયંત્ર અશક્ત બનાવે છે એમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો તથા બાળકો સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા. અંતે ઈરફાનભાઈ કડીવાલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સહિત ટુંક સમયમાં શરૂ થતા રમઝાન માસ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીરાબેન કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ