ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત વિવિધ સ્થળે નશાનો વેપલો કરતા તત્વોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે, તેવામાં રાજપારડી ટાઉન વિસ્તારમાં પોલીસે એક સફળ દરોડા પાડી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે રાજપારડી ટાઉન વિસ્તારમાં આવેલ સડક ફળિયા વિસ્તારમાં રહેતો અશોકભાઈ નટવરભાઈ વસાવા નામનો બુટલેગર પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબ સંતાડી રાખી વેચાણ કરતો હોય જે બાદ ક્રાઇમ બ્રાચે તેના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા અને મકાનમાં તલાસી લેતા તેના મકાનમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો સંતાડેલ અવસ્થામાં મળી આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ અશોક વસાવાનાં મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સહિત બિયરના ટીન મળી 633 નંગ બોટલ કબ્જે કરી કુલ 63,300 ના મુદ્દામાલ સાથે અશોકભાઈ નટવરભાઈ વસાવા નામના બુટલેગરની ધરપકડ કરી મામલે વિજય અંબુભાઈ વસાવા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.