સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલથી ઉમરા તરફ જઈ રહેલા બાઈક પર બે યુવાનો બ્રિજના ડિવાઇડર સાથે અથડાયા બાદ ત્રણ ફૂટ જેટલા ઉછળ્યા હતા અને બ્રિજની પાળી કૂદાવી 15 ફૂટની બ્રિજની નીચે પટકાયા હતા. જેને લઇ બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી અને સ્થાનિક લોકોએ 108 ને બોલાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આજે વહેલી સવારે શહેરના પાલ વિસ્તારથી લઈ ઉમરા તરફ જઈ રહેલા બ્રિજ ખાતે ખૂબ જ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પાલથી ઉમરા તરફ બાઈક પર બે યુવાનો જઈ રહ્યા હતા. બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહ્યા હતા દરમિયાન બ્રિજના ઉમરા તરફના છેડા પર અકસ્માતનો ભોગ બન્યા હતા. બાઈક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજના છેવાડા તરફ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયા હતા.
બંને યુવાનો પૂરપાટ ઝડપે બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે ઉમરા તરફના બ્રિજ પર ડિવાઈડર સાથે અથડાયા બાદ બંને યુવાનો ત્રણ ફૂટ હવામાં ઉછળ્યા હતા. અકસ્માત એટલો વિચિત્ર અને ગંભીર બન્યો હતો કે બંને યુવાનો હવામાં ઉછળી બ્રિજની પાળી કૂદાવી 15 ફૂટ નીચે પટકાયા હતા. જ્યારે બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. 108 ને બોલાવી બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઇમરજન્સી વોર્ડમાં બંનેની સારવાર કરવામાં આવી રહી હતી. બંને પૈકી એક યુવકની હાલત ખૂબ જ નાજુક હતી જેથી તેનું મોત નીપજ્યું છે.