ભારતીય હવામાન વિભાગની તા. ૧૫ માર્ચ ૨૦૨૩ના સમય ૧૨:૦૦ કલાકના ફોરકાસ્ટની સુચના મુજબ આગામી તા. ૧૬ માર્ચની ૧૯ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફૂંકાવવાની સંભાવના તથા કરા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે.
જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં અગમચેતીના પગલા લેવા જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓને હેડ કવાર્ટર ખાતે હાજર રહેવા નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં જિલ્લામાં પૂરતો વિજપુરવઠો જળવાઈ રહે તેમજ વિજકંરટ લાગવાના બનાવ બને નહી તે માટે સંબંધિત વિભાગને તકેદારી રાખવા જણાવેલ છે.
આ ઉપરાંત ભારે પવન/વરસાદને કારણે કોઈ વૃક્ષ ધરાશાયી થાય તો તેને તાત્કાલીક સલામત જગ્યાએ ખસેડી કોઈપણ સંજોગોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તે માટે તાત્કાલિક પગલાં લેવા પણ સંબંધિત વિભાગને પણ જણાવવામાં આવ્યું છે. મામલતદાર કચેરી દ્વારા તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ શરૂ કરીને દર બે કલાકે સચોટ આંકડા તથા નુકશાની/જાનહાની/માલ-મિલ્કતહાની/પશુહાનીની વિગતો જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે આપવા તથા સતત નિરીક્ષણ કરી કોઈ અનિચ્છનીય બનાવ બને તો સંબંધિત લાયઝન અધિકારીને તથા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે વિગતો આપવા પણ નિવાસી અધિક કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.