વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરો કાયદાના ઉલ્લંઘન સાથે મનમાની કરી 700 જેટલા સિક્યુરિટી ગાર્ડનું શોષણ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ ગુજરાત મજદૂર સેનાના નેજા હેઠળ મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી છે.
વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર 700 જેટલા સિક્યુરિટી ગાર્ડ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તથા સ્થળોએ ફરજ બજાવે છે. સોમવારના રોજ સિક્યુરિટીના કર્મચારીઓએ ગુજરાત મજદૂર સેનાના નેજા હેઠળ સિક્યુરિટી કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે, સિક્યુરિટી ગાર્ડને લેબર કોન્ટ્રાક્ટરો લઘુત્તમ વેતન ચુકવતા નથી. તેમને અઠવાડિક રજા પણ મળતી નથી. કામદારોને હાજરીકાર્ડ અથવા પગાર ચિઠ્ઠી આપવામાં આવતી નથી. શિવ સિક્યુરિટી સર્વિસ અને સૈનિક ઇન્ટેલિજન્સ સિક્યુરિટી મજૂર કાયદાઓનો સરેઆમ ભંગ કરે છે. આ બાબતે અગાઉ સરકારી શ્રમ અધિકારીને ફરિયાદ કરી છે. કામદારોને પ્રો.ફંડના હિસાબની રસીદ કે ખાતા નંબર સહિતની માહિતી આપવામાં આવી નથી. બોનસ આપવામાં આવતું નથી. બંને કોન્ટ્રાક્ટરો પાસે લેબર કોન્ટ્રાક્ટર તરીકેનું લાયસન્સ નથી. જો કોઈ કામદાર ફરિયાદ કરે તો કોર્પોરેશનની સિક્યુરિટી શાખાના અધિકારી રાજેશ મેકવાન કર્મચારીઓને ધમકાવે છે. હાજરીમાં ચેડા સાથે એક દિવસની ગેરહાજરીના 1300 રૂપિયા કપાત થાય છે. આમ ,લઘુત્તમ કાયદાના ભંગ બદલ ફોજદારી કાર્યવાહી થાય, ઇએસઆઇનું કાર્ડ કાઢી આપવામાં આવે તેમજ ઈએસઆઇ તથા પ્રો.ફંડના નાણા ભરપાઈ કર્યા છે કે કેમ તે ચકાસવામાં આવે તેવી માંગ કરી છે.