ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરોઇ ગામે “તારો બનેવી મારા ઘર તરફ આંટાફેરા મારે છે તે બંધ કરાવજો” એમ કહેતા આ વાત સાંભળી જતા બે ઇસમોએ ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં એક ઇસમને માર માર્યો હતો.
ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા નજીકના જરોઇ ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા કાનજીભાઇ બુધાભાઇ વસાવા ગતરોજ તા.૧૩ મીના રોજ સાંજના સમયે તેમની પત્ની સાથે વરાછા ગામે આવેલ દુધ ડેરીમાં દુધ ભરવા ગયા હતા. ત્યારબાદ સાંજના સાતેક વાગ્યે તેઓ પાછા ઘરે જઇ રહ્યા હતા ત્યારે તે દરમિયાન જરોઇ ગામે મોટા ફળિયામાં રહેતા બકાભાઇ મગનભાઇ વસાવાના ઘર નજીક આવતા બકાભાઇએ તેમને કહ્યુ હતું કે તારા બનેવી સુરેશભાઇ વિઠ્ઠલભાઈ વસાવા મારા ઘર તરફ વારંવાર આંટાફેરા મારે છે, જેથી તું એને સમજાવી દેજે કે મારા ઘર તરફ આંટાફેરા ના મારે તે વખતે સુરેશભાઇ વિઠ્ઠલભાઈ વસાવા નવી નગરી તરફથી આવતા હતા તે આ વાત સાંભળી જતા તેઓ કાનજીભાઇ સાથે આ વાતને લઇને બોલાચાલી કરવા લાગ્યા હતા. ત્યારબાદ સુરેશભાઇનું ઉપરાણું લઇને તેનો સાળો મિતેશ વસાવા હાથમાં ધારિયુ લઇને દોડી આવ્યો હતો અને કાનજીભાઇને ધારિયાના હાથાનો સપાટો માર્યો હતો. આને લઇને કાનજીભાઇને કપાળ પર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત કાનજીભાઇને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. બનેવી ઘર તરફ આંટાફેરા મારતો હોવાની વાત તે ઇસમ સાંભળી જતા આ વાતને લઇને વિવાદ વકર્યો હતો,અને તેમાં એક વ્યક્તિ પર હુમલો થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ સંદર્ભે કાનજીભાઇ બુધાભાઇ વસાવા રહે.ગામ જરોઇ તા.ઝઘડિયાનાએ સુરેશ વિઠ્ઠલભાઈ વસાવા તેમજ મિતેશ ભુલાભાઇ વસાવા બન્ને રહે.ગામ જરોઇ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ