ભરૂચમાં ધો. 10 અને 12 ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા તેમજ ક્લાસ રૂમ આજે તા. 13 માર્ચના રોજ નિહાળ્યો હતો. કાળઝાળ ગરમીના વાતાવરણ વચ્ચે અને સાથે જ વાદળ છાયા વાતાવરણમાં બફારાના અનુભવ વચ્ચે ભરૂચ જિલ્લાના કુલ 38601 વિદ્યાર્થીઓ તા. 14 થી ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપશે. ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે વિધાર્થીઓ આખું વર્ષ મહેનત કરતા હોય છે તેની સાથે સાથે વાલીઓ પણ મહેનત કરતા હોય છે ત્યારે ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષા વાલી અને વિદ્યાર્થીઓ માટે એક સમાન મહત્વની છે.
સોમવારના દિવસે ભરૂચ જિલ્લામાં વિધાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી હતી કે જેથી આવતી કાલે પરીક્ષાના પ્રથમ દિવસે બેઠક નંબર શોધવામાં ટાઈમ ન બગડે, વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ કેન્દ્ર પર આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે, અમને અભ્યાસ કરવા માટે પુરતો સમય મળ્યો છે. એટલું જ નહી પરંતુ જે તે શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ માટે સારી મહેનત કરી હોવાનું જણાવ્યુ હતુ. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને જિલ્લા શિક્ષણાધિકારી એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.