जिंदगी के हर कदम पर,जिंदा है रोशनी;
हर राह,हर मोड़ पर मिल जाए रोशनी;
मुजमे ही है मेरी रोशनी।
ઉકત પંક્તિઓને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિલાસી તાલીમાર્થીઓને ગુણાત્મક તાલીમ થકી લુપ્ત થઈ રહેલ “સૂજની” અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનનું વણાટકામ શીખવાની અને સ્વાયત્ત બનાવવાની અનોખી સી એસ આર પહેલનો શુભારંભ રેવાભવન ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે “સુજની રેવા સેન્ટર” રીબીન કાપીને ખુલ્લું મુક્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રાસંગીક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “લોકલ ફોર વોકલ”ના આહ્વાહનને ચરિતાર્થ કરતી પહેલ સ્વરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુપ્ત થવાને આરે આવેલ સૂજની ઉત્પાદન કળા તથા તે સાથે સંલગ્ન કલાકારોના જીવનને અંધકારમાંથી ઉજાસ તરફ લાવવા માટેની રોશની પ્રોજેક્ટ પહેલને ગણાવી હતી. આ ઉપરાંત તેમણે ઉમેરતા કહ્યું હતું કે, આપણા દેશને જ્યારે જી-૨૦ નું પ્રતિનિધિત્વ સમગ્ર વર્ષ માટે મળ્યું છે ત્યારે એક જિલ્લા એક પ્રોડક્ટની પસંદગીમાં ભરૂચ જિલ્લામાંથી સૂજનીને પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે તેને પુન:જીવીત કરવાના આ પ્રોજેક્ટ માટે તેમણે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ કહ્યું કે, ઐતિહાસિક જગ્યા કે જેમાં પોર્ટ એક સમયમાં અસ્તિત્વ ધરાવતું હતું ત્યાંથી જ રોશની પ્રોજેક્ટનો શુભારંભ થતા પ્રસ્ન્નતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લાના દરેક નાગરીકના સપનાને પૂર્ણ કરવા માટે માધ્યમ બનશે કે જેના વડે અદભૂત અને બેનમુન એવી સૂજનીને સમગ્ર વિશ્વમાં પહોચાડવાની નેમ વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે આ પ્રસંગે સૂજનીવાલા પરીવારને આ ભગીરથ કાર્યમાં માતબર યોગદાન આપવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, જે લોકો પોતાના વારસાને કદર કરતાં નથી તેઓ ભવિષ્યમાં કંઈ કરી શકતા નથી. તે સંદર્ભે સૂજનીવાલા પરિવારે આ કળાના મૂળ સાથે સંલગ્ન રહીને કળાને જીવંત રાખવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે. આ પ્રોજેક્ટ થકી આ મૂળને હવે આગામી ૩ થી ૪ વર્ષમાં જ વટવૃક્ષ બનીને ખીલી ઉઠવાનું છે. જે મુજબ આગામી ટૂંક સમયમાં વિશ્વ ફલક પર નિકાસ કરવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન નિવાસી અધિક કલેકટર એન આર ધાધલે કરી હતી તથા આભારવિધી જિલ્લા ઉધોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશ્નર જે બી દવેએ કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માસ્ટર ટ્રેઈનરને નિમણૂક પત્રો તથા સંસ્થાના પાંચ સભ્યોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ભરૂચ સૂજની ઉત્પાદન અને વેચાણ સહકારી મં.લી.ભરૂચના નોધણી પ્રમાણપત્ર મંડળીના પ્રમુખ રીઝવાના જમીનદારને એનાયત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોરદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી તથા જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : રેવાભવન ખાતે “સુજની રેવા સેન્ટર” નું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરાયું.
Advertisement