ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ખેતરમાં પાણીની મોટરમાં વાયરો નાંખવાની બાબતે બે સગા ભાઇઓ બાખડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગોવાલી ગામે રહેતા નટવરભાઇ નાનચંદભાઇ ઠાકોર તેમજ તેમના નાનાભાઈ ઠાકોરભાઇના ખેતરમાં તેમની માતાના નામે સહિયારુ વીજ મિટર છે. નટવરભાઇએ તેમના ભાગની જમીનમાં કેળનું વાવેતર કરેલું છે. તેઓ ગતરોજ તા.૧૨ મીના રોજ ખેતરે ગયા હતા, અને કેળને પાણી પીવડાવવાનું હોવાથી મિટરમાં વાયરો નાંખીને પાણી ચાલુ કર્યુ હતું. આ દરમિયાન તેમના ભાઇ ઠાકોરભાઇ ત્યાં આવ્યા હતા, અને ગાળો બોલીને વાયરો કાઢી નાંખ્યા હતા. ત્યારબાદ નટવરભાઇના છોકરા મેહુલે ઠાકોરભાઇને આ બાબતે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે તમે ડાયરેક્ટ કરો, મારા મિટરમાં વાયરો ના નાંખો. ત્યારે આ લોકોએ તેમને જણાવેલ કે આ મિટર તો આપણી માતાના નામે છે. આ સાંભળીને ઠાકોરભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ રાતના ઠાકોરભાઇનો છોકરો રાહુલ ગાળો બોલવા લાગ્યો હતો અને આ લોકોને મારી નાંખવાની ધમકી આપતો હતો. તેથી નટવરભાઇએ રાહુલને આ બાબતે કહેતા તે કહેવા લાગ્યો હતો કે તને અને તારા છોકરાઓને માર મારીશ. આ દરમિયાન ઠાકોરભાઇ અને તેમના પત્નિ આશાબેન પણ ત્યાં આવી ગયા હતા, અને તે લોકો બપોરે ખેતરે થયેલ ઝઘડાની રીશ રાખીને ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન ઝપાઝપી થતાં ઠાકોરભાઇ આશાબેન તેમજ રાહુલ આ લોકોને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ ઝઘડામાં નટવરભાઇની પત્નિને પણ ધક્કો વાગતા તે નીચે પડી ગયા હતા અને તેમને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના બાબતે નટવરભાઇ નાનચંદભાઇ ઠાકોર રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયાનાએ ઠાકોરભાઇ નાનચંદભાઇ ઠાકોર, રાહુલભાઇ ઠાકોરભાઇ ઠાકોર તેમજ આશાબેન ઠાકોરભાઇ ઠાકોર ત્રણેય રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ