માંગરોળ તાલુકાના મોસાલી ગામે બાયપાસ રોડ પર બેફામ દોડતી કોલસો ભરેલી ટ્રકોથી પરેશાન થયેલા મોસાલી ગામના ગ્રામજનોએ જીઆઇપીસીએલ કંપનીના એમ ડી અને માંગરોળના મામલતદારને પડી રહેલી મુશ્કેલી અંગે લેખિત ફરિયાદ કરી છે. મોસાલી ગામના આગેવાન સોયબભાઈ માંજરાની આગેવાની હેઠળ 50 જેટલા ગ્રામજનોએ સામૂહિક રજૂઆતો કરી જણાવ્યું કે નાની નારોલી ગામે કાર્યરત જી આઇ પી સી એલ કંપની દ્વારા વાલીયા તાલુકાના રાજગઢ લુણા સહિત ચાર જેટલા ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી અને આ જમીનમાંથી કોલસો કાઢી ટ્રકો મારફતે મોસાલી બાયપાસ રોડ થઈ નાની નરોલી જી આઇ પી સી એલ કંપનીમાં લાવવામાં આવે છે ત્યારે ટ્રક ચાલકો ટ્રકો ઉપર તાડપત્રી અથવા કોઈપણ પ્રકારનું આવરણ બાંધતા નથી જેને કારણે રહેણાંક વિસ્તારના રહીશોના ઘરમાં કોલસાની રજકણો આવી રહી છે જેથી લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે. તેમજ રાત્રી દરમિયાન બેફામ દોડતી ટ્રકોથી ઘણીવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે.
થોડા સમય પહેલા રોડની બાજુમાં ઈલેક્ટ્રિક વિજપોલ સાથે ટ્રક ભટકાતા વીજ લાઈનમાં ફોલ્ટ થયો હતો જેથી રહીશોના ઘરમાં વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા અને લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો લોકો માટે રાત્રિ દરમિયાન ઘરથી બહાર નીકળવાનુ પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે કંપની અને સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ લોકોને પડતી મુશ્કેલી દૂર કરે તેવી માંગ કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ