ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાંથી કોસ્ટીક સોડા લાઇ ટેન્કરમાં લઇને સુરતના હજીરા અદાણી પોર્ટ જવા નીકળેલ ટેન્કર ચાલકે રસ્તામાં રૂ.ત્રણ લાખ ઉપરાંતની કિંમતનો કોસ્ટીક સોડા લાઇ સગેવગે કરીને બાકી રહેલા કોસ્ટીક સોડા લાઇમાં પાણી ભેળવી દીધુ હતું. આ સંદર્ભે ઝઘડિયા પોલીસમાં ટેન્કર ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઝઘડિયા પોલીસમાં લખાવાયેલ ફરિયાદ મુજબ મળતી વિગતો અનુસાર મુળ ઉત્તરપ્રદેશનો અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો દિપક અશોક સિંગ અંકલેશ્વર ખાતેની એક રોડ લાઇન્સમાં ટેન્કર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત તા.૧૦ મી ડિસેમ્બરના રોજ ડ્રાઇવર દિપક ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાંથી રુ.૬૦૪૪૫૫ ની કિંમતનો કોસ્ટીક સોડા લાઇ ભરીને સુરતના હજીરા અદાણી પોર્ટ ખાતે જવા નીકળ્યો હતો. આ દરમિયાન તેણે રસ્તામાં ટેન્કરમાંથી રુ.ત્રણ લાખ ઉપરાંતનો કોસ્ટીક સોડા સગેવગે કરી દઇને બાકી રહેલ કોસ્ટીક સોડા લાઇમાં પાણી ભેળવી દીધું હતું. ત્યારબાદ અદાણી પોર્ટ ખાતે ગાડી ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન કોસ્ટીક સોડા લાઇમાં પાણી ભેળવેલ હોવાની જાણ થતા ગાડી રીજેક્ટ થઇ હતી. આ બાબતની જાણ થતાં ટેન્કર માલિક પ્રિતકુમાર જતીનકુમાર પટેલ રહે.અંકલેશ્વરના સુરત ખાતે ગયા હતા, ત્યારે ટેન્કર અદાણી પોર્ટમાંથી બહાર લાવી પાર્કિંગમાં મુકેલુ હતું, અને તેનો ચાલક દિપક અશોક સિંગ ક્યાંક જતો રહેલ હતો. ઘટના બાબતે પ્રિતકુમાર પટેલે ટેન્કર ચાલક દિપક અશોક સિંગ વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ટેન્કરમાંથી કોસ્ટીક સોડા સગેવગે કરવાની કથિત ઘટના ગત તા.૧૦ ડિસેમ્બરના રોજ બની હતી, જ્યારે આ બનાવ બન્યાના ત્રણ મહિના જેટલા સમય બાદ પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઘટના બન્યા બાદ જો નજીકના સમયમાં ફરિયાદ લખાવવામાં આવે તો પોલીસને તપાસ કરવામાં વધુ સુગમતા રહે તે વાત સ્વાભાવિક હોવા છતાં પણ ફરિયાદ નોંધાવવા બાબતે ફરિયાદીઓ દ્વારા કેમ જાગૃતતા નથી બતાવાતી, એ પણ એક સવાલ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ