માંગરોળ તાલુકાના આંબાવાડી ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ગ્રામ કલા અને સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો હતો. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને માંગરોળ તાલુકા શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રામકલા મહોત્સવનો ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, દીપક વસાવા, દિનેશ સુરતી, તૃપ્તિ બેન મૈસુરિયા, યુવરાજ સિંહ, મૂકેશ ચૌધરી, અફઝલખાન પઠાણ, રમેશ ચૌધરી સહિતના આગેવાનોએ દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો.
ઉપરોક્ત કલા મહોત્સવમાં ચાર વિભાગની 77 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં રાસ ગરબા અભિનય ગીત રંગોલી ચિત્રકલા સુલેખન બાળવાર્તા વકૃત્વ સ્પર્ધા સહિત અનેક પ્રકારની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત કલા મહોત્સવમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ પ્રસંગને અનુરૂપ સંબોધન કરી કલા મહોત્સવમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે રૂપિયા 20 લાખના ખર્ચે આંબાવાડી પ્રાથમિક શાળામાં નિર્માણ થનાર ત્રણ ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેર દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ