આવતીકાલ 3 જી માર્ચથી સીએનજી ગેસ પંપના ડીલરોએ અચોકકસ મુદત સુધી ગેસનું વેચાણ બંધ રાખવાનું એલાન જાહેર કર્યા બાદ આજે ગેસ કંપનીઓ સાથે ફેડરેસન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર એસો.ની મીટીંગ મળતા ગેસ કંપનીઓએ ડીલરોને માર્જીનમાં સુધારો આપવાની ખાત્રી આપતા આવતીકાલની ગેસ વેચાણ બંધની હડતાળ મુલત્વી રાખવામાં આવ્યું હોવાનું ડીલર એસો.ની યાદીમાં જણાવ્યું છે.
આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર એસો.ના જણાવ્યા પ્રમાણે ઓઇલ કંપનીઓ સાથેની બેઠકમાં એવી બાંહેધરી આપવામાં આવી છે કે, તેમનું ડીલર માર્જીન 20 મી માર્ચ સુધીમાં આપી દેવામાં આવશે. એકંદરે ચાર વર્ષ જુની માંગણીનો ઉકેલ આવી જતા આ હડતાળનું એલાન પરત ખેંચવામાં આવ્યું છે.
ગેસ કંપનીઓ છેલ્લા 55 મહીનાથી ડીલરોના માર્જીનમાં વધારો નહીં આપતા ડીલર એસો.એ ગેસ વેચાણ બંધ કરવાનું એલાન આપતા જ ગેસ કંપનીઓએ આજે ડીલર એસો. સાથે તાત્કાલીક બેઠક યોજી ડીલરોની માર્જીનની માંગ સંતોષવા ખાત્રી આપતા ડીલર એસો.એ હડતાળ પરત ખેંચી લીધી છે. જેને કારણે સીએનજી ગેસ પંપો રાબેતા મુજબ શરૂ રહેશે.