શ્રી ઘનશ્યામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ ઈંગ્લીશ ટીચિંગ સ્કુલ, મંજીપુરા રોડમાં શાળાનો ૧૫ મો વાર્ષિકોત્સવ ઉજવાયો જેમાં અતિથિ વિશેષ તરીકે સંજયસિંહ વી. મહીડા ધારાસભ્ય, મહુધા વિધાનસભા, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.એસ.વી.વાસાણી, જોઈન્ટ મેનજિંગ ટ્રસ્ટી કર્મેશભાઈ શાહ, ટ્રસ્ટી પી.ડી.પટેલ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને ટ્રસ્ટી હરેશભાઈ પટેલ, કો-ઓર્ડીનેટર ડો.અર્થિક પટેલ તથા પ્રિન્સીપાલ અન્નમાં સજી મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ તરીકે સંજયસિંહ વી. મહીડાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મંજીપુરા વિસ્તારમાં સદર શાળા દ્વારા અભ્યાસ સાથે મનોરંજન પૂરું પાડીને ભણતર સાથે ગણતરના પાઠ શીખવીને જે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તે માટે શાળા પરિવાર ખરેખર અભિનંદનને પાત્ર છે. તથા ભવિષ્યમાં તેમના તરફથી શાળાના વિકાસ માટે પુરતો સહકાર મળી રહેશે તેમ જણાવ્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.એસ.વી.વાસાણીએ બાળકોને કુમળી વયે મોબાઈલ જેવા દુષણોથી દુર રાખવા માટેની ટકોર વાલીઓને કરી હતી. તથા ખુબજ ઓછી ફીમાં શિસ્ત સાથે ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવા બદલ શિક્ષણ વિભાગ તરફથી શાળાને સન્માન પ્રાપ્ત થયેલ છે તેમ પણ જણાવ્યું હતું.
શાળાનાં જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી કર્મેશભાઈ શાહે વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે બદલાતા જતા સમયને અનુરૂપ બાળકોને ફક્ત પુસ્તકિયું જ્ઞાન આપવામાં આવશે તો તે વિકસેલી ટેકનોલોજી ધરાવતા અન્ય રાજ્યો તથા દેશોના બાળકો સાથે સ્પર્ધા નહી કરી શકે, આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે અને તેવા ઉદ્દેશ્યથી હાલમાં ૪૫ શિક્ષકો દ્વારા શૈક્ષણિક અભ્યાસ સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી ઈત્તર પ્રવૃત્તિઓ જેવી કે માટે કરાટે, ડાન્સ વિગેરે જેવી પ્રવૃત્તિઓ સાથે અભ્યાસ પણ કરાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા પ્રશ્નો માટે પણ શાળાના શિક્ષકો હંમેશા બાળકોને સાચી સમજણ પૂરી પાડી રહ્યા છે. એસ.એસ.સી.ની પરીક્ષામાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ નું ૯૦.૪૮% તથા ૨૦-૨૧ નું ૧૦૦% તથા વર્ષ ૨૧-૨૨ દરમિયાન લેવાયેલ એસ.એસ.સી.ની પરીક્ષામાં શાળાનું પરિણામ ૯૩.૭૫% આવેલ છે. જે ખુબજ ગર્વની બાબત છે. તે માટે શાળા પરિવાર વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. કાર્યક્રમ દરમિયાન નર્સરીથી ધો.૧૦ સુધીના ૪૭૫ બાળકોએ પોતાની આગવી શૈલીમાં કુશળતાપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને ઉપસ્થિત સૌ શાળાના સંચાલકો, શાળાના શિક્ષકો તથા સંપૂર્ણ વાલીગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ