ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 16 જૂલાઈ 2021 ના રોજ ગુજરાત સાયન્સ સિટી 2.0 નું ઉદ્ઘાટન કર્યા બાદ તે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનરસિયાઓ માટે મનપસંદ જગ્યા બની ગઈ છે. 16 જુલાઇ 2021 થી 26 ફેબ્રુઆરી 2023 સુધીમાં લગભગ 19 લાખથી વધુ મુલાકાતીઓ સાયન્સ સિટીની વિજ્ઞાનનગરીનો આનંદ માણીયો છે. વિજ્ઞાનની દુનિયામાં રસ દાખવતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અર્થે સંયુક્ત રીતે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ કાર્નિવલ -2023’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કાર્નિવલ વિશે વાત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એડવાઇઝર એન્ડ મેમ્બર સેક્રેટરીએ જણાવ્યું હતુ કે, સાયન્સ સિટી અમદાવાદ ખાતે આજથી ૪ માર્ચ સુધી ‘સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કાર્નિવલમાં દરરોજ અંદાજિત 20 હજાર વિદ્યાર્થી ભાગ લઇ શકે તેવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
સાયન્સ સિટી અમદાવાદ ખાતે આજથી 4 માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3D રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથો-સાથ ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર જેમ કે પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં અલગ અલગ રીતે સ્થાનિક સ્તરો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના અનુસાર, વર્ષ 2021માં 4 લાખથી વધારે મુલાકાતીઓ, વર્ષ 2022માં 12 લાખથી વધારે તેમજ આ વર્ષની શરૂઆત થી 26 ફેબ્રુઆરી સુધીમાં 3 લાખથી વધારે મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. ટાઈમ મેગેઝિન રીપોર્ટ અનુસાર, વર્ષ 2022 ના 50 સૌથી શ્રેષ્ઠ સ્થાનોમા સાયન્સ સિટીએ સ્થાન મેળવ્યુ છે.