ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે રૂ. 1,35,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની અલ્ટો કારમાં ભરી વાડી ગામે જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રોહિબિશનના ગુનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉમરપાડાના પો સ ઇ બાલકૃષ્ણ ગામીતને સુચના આપવામાં આવતા તેમણે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન હે.કો. પ્રફુલભાઈ સાકરભાઇ અને ગોપાલભાઈ ભગતભાઈને બાતમી મળી હતી કે ઝંખવાવ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાનો આરોપી રવિન્દ્ર ઉર્ફે રવો કુમાભાઇ વસાવા રહે. બલાલ કુવા ગામ તાલુકો ઉમરપાડા નાઓ પોતાની અલ્ટો કારમાં ઇંગલિશ દારૂનો જથ્થો ભરી વાડી ગામે રણજીતભાઈ સોમાભાઈ વસાવાને ત્યાં આપવા માટે જઈ રહ્યો છે જેથી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ઝંખવાવ પોલીસ મથકના હે.કો. યોગેશભાઈ બાલુભાઈ, સંજયભાઈ રાયસીંગભાઇ, કિરણભાઈ રાજેન્દ્રભાઈ, વગેરે કર્મચારીઓ ઉપરોક્ત આરોપીની તપાસ માં જઈ રહ્યા હતા ત્યારે સંયુક્ત રીતે આરોપી રવિન્દ્ર ઉર્ફે રવો કુમાભાઈ વસાવાને કાર સાથે ઝડપી પાડ્યો હતો કારમાંથી 288 નંગ દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 30,000 તેમજ વાહન સહિત અન્ય મુદ્દામાલ મળી ₹1,35,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીએ ઉપરોક્ત દારૂનો જથ્થો વાડી ગામના રણજીત સોમા વસાવાને આપવા જતો હોવાની કબુલાત કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ