ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કંચનપરી અને ધોળાકુવા ગામ વચ્ચે બે મોટરસાયકલો સામસામે અથડાતા બે પૈકી એક મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ઇજાઓ થતાં તેને સારવાર માટે લઇ જવાયો હતો. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ તા.૨૨ મી ના રોજ ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રહેતો જયેશભાઇ સોમાભાઇ આહિર નામનો યુવક કંચનપરીથી ધોળાકુવા ગામ વચ્ચે મોટરસાયકલ લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એક અન્ય મોટરસાયકલ સાથે જયેશની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને મોટરસાયકલના ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ જયેશને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને જયેશને મરણ પામેલ જાહેર કર્યો હતો. અન્ય મોટરસાયકલ ચાલક દિનેશભાઇ સદાસીંગ વસાવા રહે. બાંડાબેડા, તા.ઝઘડિયા જિ.ભરુચનાને પણ સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો.
અકસ્માતની આ ઘટના બાબતે મૃતકના ભાઇ સુરેશભાઈ સોમાભાઇ આહિર રહે.સુલતાનપુરા, તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ગઇકાલે ઉમલ્લા ગામે એક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ ઝઘડિયા નજીકના આ મોટરસાયકલ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકનું મોત થતાં તાલુકામાં અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેવા પામી હતી. તાલુકામાં ઉપરાછાપરી થઇ રહેલા જીવલેણ અકસ્માતોને લઇને તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે. તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે. મુખ્ય ધોરીમાર્ગ પર વધેલા ટ્રાફિકના ભારણને લઇને આ ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવામાં આવે તે જરુરી બન્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ