ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં જ મોબાઇલ ચોરી અંગેની ચાલુ માસ દરમ્યાન પાંચથી વધુ ઘટનાઓ સામે આવતા પોલીસ પણ ખુદ ચોંકી ઉઠી છે, જે બાદ મોબાઈલ ચોરી કરતી કોઈક ગેંગ ભરૂચમાં સક્રિય થઈ છે કે કેમ તે દિશામાં તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે.
ભરૂચના દાંડિયા બજાર શાકમાર્કેટ, શક્તિનાથથી લિંક રોડને જોડતો વિસ્તાર, કસક સહિત નંદેલાવ બ્રિજ વિસ્તારમાંથી હજારોની કિંમત ધરાવતા અલગ અલગ કંપનીના મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધવવા પામી છે, જે બાદ ભરૂચ શહેરમાં મોબાઈલ ચોર સક્રિય થયા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
શાક માર્કેટ અથવા રસ્તે પસાર થતા લોકોની નજર ચૂકવી મોબાઈલ ચોરીની ઘટનાઓને કોઈક ગઠીયાઓ અંજામ આપી રહ્યા હોવાનું સતત સામે આવી રહ્યું છે તેવામાં શહેરમાં એક બાદ એક મોબાઈલ ચોરી કરનારા તત્વોને પોલીસ વિભાગ વહેલી તકે ઝડપી પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.