ડેઝિગનેટેડ ઓફિસર પી ડી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદના ફૂડ સેફ્ટી ઓફિસર એચ કે સોલંકી, કે એમ પટેલ તથા એમ જે દીવાનની સંયુક્ત ટીમ દ્વારા કપડવંજ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ તથા ખાણીપીણીની લારીઓ ઉપર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જોવા મળેલ ખુલ્લો તથા અનહાઇજેનિક ખાદ્ય ચીજોનો કુલ ૨૪ કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરાવવામાં આવેલ છે.
ઉપરોક્ત તપાસ દરમિયાન કુલ ૨૪ પેઢીની તપાસ કરેલ જે પૈકી પંચામૃત રેસ્ટોરન્ટમાંથી વેજ પુલાવ તથા દાલ ફ્રાય, વૃંદાવન હોટલમાંથી સૂકી તુવેરનું શાક તથા મસાલા રાઈસ, ન્યુ મહાવીર રાજસ્થાન કાઠીયાવાડી હોટલમાંથી કપાસીયા તેલ, મીરા કાઠીયાવાડી હોટલ માંથી મિક્સ વેજ કાઠીયાવાડી સબ્જી, બંધન ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી મરચું તથા હળદર, શ્રી ગાયત્રી ખમણ સેન્ટરમાંથી બેસન તેમજ બાલાજી પાવભાજી સેન્ટર માંથી પુલાવના નમુનાઓ ચકાસણી અર્થે લઈ લેબોરેટરીમાં મોકલી આપેલ છે જેનો એનાલિસિસ રિપોર્ટ આવે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન પેઢીઓ જેવી કે લાલાભાઇ ચાઈનીઝ સેન્ટર, ચારભુજા સેન્ડવીચ સેન્ટર, પ્રકાશ ચાઈનીઝ, ધરતી ચાઈનીઝ સેન્ટર, શ્રી નારાયણ પાવભાજી જે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન મેળવવા પાત્ર હોય, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વિના ધંધો કરતા માલુમ પડેલ જેઓ સામે આ કાયદા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ