વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા સાત મહિનાથી ડ્રેનેજ લાઈનમાં ખામી સર્જાતા સમારકામ ચાલી રહ્યું છે છતાં પણ કોર્પોરેશન દ્વારા તેનો કોઈ ઉકેલ આવતો નહીં હોવાથી આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરી ઉકેલ લાવવાની માંગણી કરતા પોલીસે સાત કાર્યકર્તાની અટકાયત કરી હતી.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં છેલ્લા સાત મહિનાથી 20ફૂટ ઊંડાઈવાળી મુખ્ય ગટર બેસી ગઈ છે જેના કારણે આખા વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા થાય છે તેમજ ગટરની કામગીરી બાબતે ઓક્ટોબરમાં ટેન્ડરની પ્રક્રિયા કરી છે પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી તેમજ આખો રસ્તો બંધ થઈ ગયો છે એક જ તરફનો રસ્તો વપરાશમાં રહે છે જે ખૂબ જ ટુંકો છે જેના કારણે એક્સિડન્ટ વધવા લાગ્યા છે અને તે રસ્તામાં વચ્ચોવચ વરસાદી ગટરનું ચેમ્બર છે જેનું પણ ઢાંકણ તૂટી ગયું છે. આ તમામ સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી.
આ અંગે આજે કોંગ્રેસના અશફાક મલેકની આગેવાનીમાં તાંદલજા વિસ્તારના રહીશોએ મહાબલી પુરામ સોસાયટી પાસે રસ્તા પર બેસી જઈ વિરોધ કર્યો હતો જે અંગે પોલીસે સ્થળ પર પહોંચી જઈ કોંગ્રેસના સાત કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.