કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અંગારેશ્વરના આગેવાન મહેશ પરમારના પુત્રના નામે ચાલતી લીઝમાં ગેરકાયદે થતા રેત ખનન ઉપર નાયબ કલેકટર અને તેમની ટીમે રાતે ત્રાટકી ₹5.70 કરોડની મશીનરી અને સાધનો સીઝ કરતા ભાજપમાં સોપો પડી ગયો છે.
ભરૂચની પૂર્વપટ્ટી ઉપર નર્મદા નદી કિનારે આવેલા ગામોમાં રાજકીય પીઠબળ ધરાવતા આગેવાનો દ્વારા જ ગેરકાયદે રેત ખનન થતું હોવાનું હાલમાં જ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી. રાજકીય આગેવાનો અને ભાજપના જ કેટલાક હોદેદારો રાજકીય વગથી નર્મદા નદીનું નિકંદન કાઢી રહ્યા હોવાની હૈયા વરાળ સાંસદે CM અને PM સમક્ષ ઠાલવી તેના ઉપર ત્વરિત રોક લગાવવા વિનંતી કરી હતી.
ભરૂચ નાયબ કલેકટર યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં અંગારેશ્વર ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો સામે સોમવારે રાતે 10.30 કલાકે સ્થળ પર રેડ પાડવામાં આવી હતી. અંગારેશ્વર નર્મદા નદીના કિનારે અમુક ઇસમો ધ્વારા ગેરકાયદેસર રેતી ખનન તથા વહનનું કાર્ય ચાલતું હોવાનું ધ્યાનમાં આવતા નાયબ કલેકટર યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં રાત્રિના સ્થળ પર રેડ પાડવામાં આવતા કૈલાશ માછી નામનો વ્યક્તિ સ્થળ ઉપર હાજર મળી આવ્યો હતો.
અંગારેશ્વરના આ સ્થાનિક વ્યક્તિએ આ રેતી ખનનનું કાર્ય પરમાર મેહુલભાઇના નામનું ચાલી આવે છે. તેમ તંત્રની ટીમને જણાવ્યું હતું. સ્થળ પર ભરૂચ મામલતદાર, નબીપુર PSI, માઈનિંગ સુપરવાઈઝર , રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા સમગ્ર ટીમ બનાવી છાપો મારતા મોટી માત્રામાં રેત ખનનમાં વપરાતી સામગ્રી મળી આવી હતી.
તંત્રએ ભાજપ આગેવાનના પુત્રના નામે ચાલતા ગેરકાયદે રેત ખનનમાં સ્થળ પરથી 7 મોટા બાજ , 14 યાંત્રિક બોટ, 17 હાઇવા, 7 પોકલેન્ડ, 400 ટન રેતીના ઢગ મળી કુલ ₹5.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં વર્ષોથી રહેલા આગેવાન મહેશ પરમાર વિધાનસભા ચૂંટણી પેહલા જ ભાજપમાં જોડાયા હતા. જે બાદ તેઓ દ્વારા અંગારેશ્વરમાં ગેરકાયદે રેત ખનન ચાલતું હોવાની અનેક ફરિયાદો તેમજ બુમરાણ ઉઠી હતી. ભરૂચ MP મનસુખ વસાવાએ તો તેમના પત્રમાં CM અને PMને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદે તેમજ બેફામ રેત માફિયાઓ દ્વારા રેતી ઉલેચાઈ રહી છે. નર્મદા નદીની ઇકોલોજીનું રાજકીય વગ ધરાવતા અને પક્ષના જ આગેવાનો ઘોર ખોદી રહ્યાં છે. અંગારેશ્વરમાં આટલા મોટા પાયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આગેવાન દ્વારા રેત ખનનને લઈ હવે આગામી સમયમાં સરકારી તંત્ર શુ કાર્યવાહી કરે છે તેના ઉપર સૌ કોઈની નજર કેન્દ્રિત થઈ છે.