ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ યોજના હેઠળ કાંસની સફાઈ તેમજ તળાવોને ઉંડા કરવાની કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉમલ્લાના ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના પુર્વ ડિરેક્ટર રશ્મિકાન્ત પંડ્યા દ્વારા ઉમલ્લા ગામે આવેલ તળાવ ઉંડુ કરવા બાબતે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાને રજુઆત કરી હતી. ધારાસભ્ય રિતેશભાઇ વસાવા અને ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવાના સહયોગથી ઉમલ્લા ગામના તળાવને ઉંડુ કરવાની કામગીરીનું ખાતમુહુર્ત સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રશ્મિકાન્ત પંડ્યાએ તેમના પ્રારંભિક ઉદબોધનમાં અગ્રણીઓનો આભાર માન્યો હતો. સાંસદ મનસુખભાઇ વસાવાએ સુજલામ સુફલામ જળ યોજનાના જિલ્લા કક્ષાના અભિયાનનો ઉમલ્લા ખાતેથી પ્રારંભ કરીને સરકારની યોજના વિષે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષારભાઇ સુમેરા, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા,ઉમલ્લાના સરપંચ સરોજબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના જળ સંચય અભિયાન – ૨૦૨૩ અંતર્ગત સમગ્ર રાજ્યમાં જળ સંચયના હેતુ સાથે તળાવોને ઉંડા કરી તેમાં પાણીનો સંગ્રહ થઇ શકે તે માટેના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઉમલ્લા ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ યોજના કાર્યકમનો સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં આ અભિયાન અંગે માહિતી આપી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ