– વ્યાજખોરો સામે ભરૂચ પોલીસની અદભુત કામગીરી, જિલ્લા પોલીસ અને ભાજપના કાર્યકરોને આપ્યા અભિનંદન
– ગુજરાતના મિની સોમનાથ કાવી કંબોઈ શ્રી સ્તંભેશ્વર તીર્થ સ્થાને મહાશિવરાત્રી નિમિતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઝુકાવ્યું શીશ, પૂજન-દર્શન કરી લઘુરૂદ્વીનો લ્હાવો લીધો
– જંબુસર વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર જન સંકલ્પ કાર્યાલય શરૂ કરાયું
– જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે.સ્વામી ધારાસભ્ય બન્યાના પહેલા સપ્તાહમાં મંત્રી પાસે પહોંચ્યા અને તાલુકાની ચિંતા કરી હતી- હર્ષ સંઘવી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાતના મીની સોમનાથ એવા કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવની મહાશિવરાત્રી નિમિતે મુલાકાત લઈ દર્શન પૂજન કર્યા હતા. જંબુસર ખાતે ગૃહમંત્રીએ ધારાસભ્ય ડી.કે.સ્વામીના જનસંકલ્પ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી તેમની આ પહેલ અને લોકો માટે સતત કામ કરવાની ભાવનાને બિરદાવી હતી. સરકારની મહત્વની મોહિમ વ્યાજખોરીના દુષણ સામે બોલાવેલી તવાઈથી કેટલાય વ્યાજખોરો ગુજરાત છોડી ભાગી ગયા હોવાનું હોમ મિનિસ્ટરે કહી ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે શુક્રવારે શ્રી સ્તંભેશ્વર તીર્થ સ્થાનની મુલાકાત લીધી હતી. તેઓએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન, અભિષેક, પૂજા સાથે મહાશિવરાત્રી નિમિતે ચાલતા લઘુરુદ્રનો પણ લ્હાવો લીધો હતો. તીર્થ સ્થાન ખાતે શનિવારે મહાશિવરાત્રિ નિમિતે યોજાનાર મેળો અને બંદોબસ્ત તેમજ વ્યવસ્થા અંગે પણ મહંત વિદ્યાનંદજી મહારાજ જોડે ચર્ચા કરી તેમના આશિષ પણ મેળવ્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે બાદ જબુસર-આમોદ વિધાનસભાના મતદારોની સુખાકારી માટે ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા શરૂ કરાયેલા જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. જન સેવા એ જ પ્રભુસેવાના દ્રઢ સંકલ્પ સાથે 150 જંબુસર-આમોદ વિધાનસભાના મતદારો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ડી કે સ્વામીને જંગી બહુમતી સાથે વિજય બનાવ્યા. તેના કર્તવ્યના ભાગરૂપે મતદાતાઓ સાથે જીવંત સંપર્ક અને પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપી શકાય તેવા ઉમદા હેતુથી મામલતદાર કચેરી પાસે ધારાસભ્ય દ્વારા જન સંપર્ક કાર્યાલયનો શુભારંભ કરાયો છે. કાર્યાલયમાં જરૂરિયાત મુજબ અઠવાડિયામાં બે દિવસ ધારાસભ્ય પોતે ઉપસ્થિત રહેશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાર્યાલયના લોકાર્પણ બાદ BAPS સ્વામીનારાયણ મંદિર સભા ગૃહ ખાતે જનસભા સંબોધી હતી. જેમાં ભરૂચ જિલ્લાના પાંચેય ધારાસભ્ય અને ભાજપને ઐતિહાસિક જીત અપાવનાર જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
ગુજરાત સરકારની ખૂબ અગત્યની મોહિમ વ્યાજખોરો સામે કડક કાર્યવાહીમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે એવી તવાઈ બોલાવી છે કે, કેટલાક વ્યાજખોરો તો રાજ્ય છોડી ભાગી ગયા છે. ગુજરાત સરકારે વ્યાજખોર કોઈની ઉપર પણ કેસ કરવામાં ક્યારેય સેહ, શરમ કે સંકોચ કર્યો નથી. રાજ્ય સરકાર સામાન્ય પરિવારને વ્યાજખોરીના સામાજિક દુષણમાં કચડનારને ક્યારેય છોડવો નથી ના સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે.
વ્યાજખોરો સામેની મોહિમમાં કોઈપણ રાજકીય, પોલીસ, સામાજિક કે ગમે તેટલા પહોંચેલા વ્યક્તિને પણ બક્ષવામાં આવ્યો નથી. ગૃહમંત્રીએ વ્યાજખોરો સામેની ઝુંબેશમાં અદ્વિતીય કામગ્રીરી કરનાર ભરૂચ પોલીસ અને ભાજપના દરેક કાર્યકરને પણ અભિનંદન આપ્યા હતા. તેઓના કાર્યકમમાં સાંસદ મનસુખ વસાવા, જનક બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.