વિવાદો અને ત્રીજા મોરચાના મંડાણની શક્યતાઓ વચ્ચે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સમરસ જાહેર થાય તેવી સ્થિતિ આવી ગઈ છે. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જેમાં ત્રીજા મોરચામાંથી એક પણ ફોર્મ નહીં ભરાતા મોટા ભાગની બેઠકો બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે.
આજે ફોર્મની સ્ક્રુટિની થઈ હતી અને મુખ્ય ચૂંટણી અધિકારી વરેશ સિંહાએ તમામ ફોર્મ સ્વીકારી લેતા હવે પ્રેસિડેન્ટ તરીકે પ્રણવ અમિન, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અનંત ઈંદુલકર, સેક્રેટરી તરીકે અજીત લેલે, જોઈન્ટ સેક્રેટરી તરીકે અકીન શાહ અને ટ્રેઝરર તરીકે શીતલ મહેતાને બિનહરીફ જાહેર કરી દેવાયા છે.
તો એપેક્સ કાઉન્સિલમાં પણ કલ્યાણ હરી ભક્તિ, ચંદ્રકાંત શેઠ, અક્ષત પટેલ, રશ્મિશ શાહ અને વિપુલ ઘીયા જ્યારે પ્રેસેન મીડિયા કમિટીમાં સત્યજીત ગાયકવાડને બિનહરીફ જાહેર કરાયા છે જોકે ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને ફાઇનાન્સ કમિટીમાં અશોક જુનેજાની સામે જય પટેલે ફોર્મ ભર્યું હોવાથી આ બેઠક પર ચૂંટણી થવાની શક્યતાઓ છે પરંતુ આગેવાનો દ્વારા જય પટેલને ફોર્મ પરત ખેંચવા માટે મનાવવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પ્રેરિત રોયલ ગ્રુપ અને પ્રણવ અમીન પ્રેરિત રિવાઇબલ ગ્રુપ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. પરંતુ ચૂંટણી પહેલા જ બંને જૂથે સમાધાન કરી હાથ મિલાવી લીધા હતા. જેના પગલે કેટલાક અસંતૃષ્ઠોએ ત્રીજા મોરચાના મંડાણની ચીમકી પણ ઉચ્ચારી હતી. પરંતુ ત્રીજા મોરચામાંથી એક પણ ફોર્મ ભરાયા ન હતા.