પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ વિસ્તારમાં આવેલ શ્રી હરિ બંગ્લોઝ વિસ્તારમાં રહેતો પરિવાર પોતાનું મકાન બંધ કરી વડોદરા ગયા હતા દરમ્યાનના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ તેઓના મકાનમાં પ્રવેશ કરી લોખંડની ગ્રીલ તેમજ દરવાજો તોડી મકાનના અંદરના ભાગેથી લાખોની કિંમતના સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
જે ઘટના અંગેની પોલીસ ફરિયાદ મકાન માલિક દ્વારા ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જે બાદ મામલે ભરૂચ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવતા ક્રાઇમ બ્રાંચે વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથધરી હતી, જેમાં એક કાળા કલરની મોટરસાયકલ પર હેલ્મેટ પહેરી ફરતો શકમંદ ઈસમ નજરે પડ્યો હતો.
ક્રાઇમ બ્રાંચને અંગત બાતમીદારોથી બાતમી મળી હતી કે શ્રી હરિ બંગ્લોઝમાં જે ચોરી થઈ હતી તે મોટરસાયકલ સવાર ઈસમ આમોદથી ભરૂચ બાયપાસ તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચ બાયપાસ વિસ્તારમાં વોચ ગોઠવી હતી, દરમ્યાન મોટરસાયકલ નંબર GJ 23 J 3700 ના ચાલકને રોકી તેની તલાસી લેતા તેની બેગમાંથી ડિસમિસ, પેચીયા, પક્ક્ડ, હેકસો બ્લેડ વગેરે મળી આવ્યું હતું.
ત્યારબાદ ક્રાઇમ બ્રાંચ્ચે ઝડપાયેલ ઈસમ જયેશભાઇ મોહનભાઈ પટેલ રહે, ગોપાલ પુરા ફળિયું આણંદ નાની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ્યોતિનગરથી અંદર આવેલ સોસાયટીના મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના સહિત કુલ 6,69,835 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર છે અને 1997 થી લઈ અત્યાર સુધી 30 થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપી ચુક્યો હોવાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે.