નર્મદા જિલ્લા પોલીસતંત્રના છેલ્લા કેટલાક મહિનાઓમાં વ્યાજખોરો સામે લાલઆંખ કરી પ્રજાને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી મુક્ત કરવાના અભિગમને પ્રજાજનો આવકાર મળ્યો છે. “એક્શન મોડ” માં આવી ચૂકેલી પોલીસની કામગીરીને જોતા પ્રજા નિર્ભિક રીતે ગુનાહોને રોકવા માટે પોલીસ સાથે ખડેપગે આવી રહી છે. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર, પ્રજા સાથે સારા સબંધો વિકસાવી અનેકવિધ પ્રયાસો પણ હાથ ધરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશન દ્વારા, પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાપૂર્ણ સબંધો કેળવવાના ઉમદા આશય સાથે આમલેથા પોલીસ સ્ટેશન અને ગામકુવા ગામના નાગરિકો વચ્ચે “મૈત્રી” ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા સ્ટેન્ડી તથા બેનર્સનો ઉપયોગ કરીને ટ્રાફિક નિયમો, સાયબર ક્રાઈમ સહિત પોલીસતંત્ર સાથે સબંધિત તમામ કાયદાઓ, નિયમો અંગે માહિતગાર કરીને ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતાં.
જેવી રીતે આર્મીના જવાનો દેશની સુરક્ષા કરે છે, તેવી જ રીતે પોલીસના જવાનો સમાજની સુરક્ષા કરે છે, સમાજમાં બનતી તમામ ઘટનાઓ તથા અસામાજિક તત્વોની ગુનાહિત પ્રવૃતિને રોકવા માટે હરહંમેશ ખડેપગે હોય છે. એક આદર્શ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં પોતાની જવાબદારી નિભાવવા માટે નર્મદા જિલ્લા પોલીસતંત્ર કટિબદ્ધ છે, જો સમાજનો પ્રત્યેક નાગરિક પોતાની જવાબદારીને સમજીને “પોલીસ મિત્ર” ને સહયોગ કરશે તો ગુનાહોનું પ્રમાણ ચોક્કસ નહિવત થશે.
દીપક જગતાપ, રાજપીપલા