નડિયાદના પીપલગના મહિલાના પતિની બિમારીના કારણે ગામના દંપતિ પાસેથી દસ ટકા વ્યાજે રૂપિયા ૧.૩૦ લાખ લીધા હતા. ત્રણ વર્ષ દરમિયાન દંપતિએ ૩ લાખ આપી દીધા છતા મૂડી અને વ્યાજ માટે ફોન પર ઉઘરાણી કરતા દંપતિ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નડિયાદના પીપલગમે રહેતા ૪૪ વર્ષીય મહિલાના પતિને લીવર અને કીડનીની બીમારીનાં કારણે તેઓ હાલ ઘરે છે. પતિની બિમારીના કારણે પત્ની અને તેનો દિકરો નોકરી કરી ઘરનુ ગુજરાન ચલાવે છે. જેનાથી પતિની બિમારીનો ખર્ચ અને ઘરનો ખર્ચ ન નિકળતો હોવાથી ત્રણ વર્ષ પહેલા પીપલગ ગામના સોનલબેન પાસેથી રૂપિયા ૧.૩૦ લાખ દસ ટકા વ્યાજે લીધા હતા. જે ત્રણ વર્ષમાં રૂ 3 લાખ જેટલું ચૂકવ્યુ છે. તેમ છતાં વ્યાજ આપવામાં સમય વીતી જાય તો રૂપિયા ૧ હજાર,રૂ ૧૪૦૦ કે ૨ હજાર ચૂકવવા પડતા હતા. વળી દંપતિ ઘરે આવી નાણાંની ઉઘરાણી કરે છે. છેલ્લા પંદર દિવસથી રૂપિયા ૧.૩૦ લાખ તથા વ્યાજની ઉઘરાણી કરવા ફોન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે સોનલ અને તેના પતિ રાકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ